જામનગર જિલ્લાના ધ્રોલ એસ ટી ડેપોમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન પોરબંદરના એસટી ડ્રાઇવરને દારૂની આઠ બોટલો સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જામનગરમાં રણજીતસાગર રોડ પરથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલો મળી આવતા શખ્સની અટકાયત કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ એસ ટી ડેપોમાં સોમવારે મધ્યરાત્રિના સમયે બસ ચાલક પાસે દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન એસ ટી માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પોરબંદરના રામનગર સોસાયટીમાં રહેતા વિનોદ નરશી વારગીયા નામના ચાલકની તલાસી લેતા તેમની પાસે રહેલી એક બેગમાંથી રૂા.4000 ની કિંમતની દારૂની આઠ બોટલો મળી આવતા પોલીસે એસટી બસના ચાલકની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર સુભાષપાર્ક વિસ્તારમાંથી પસાર થતા યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે બોટલો મળી આવતા પોલીસે યુવરાજસિંહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રોલ બસ ડેપોમાંથી દારૂના જથ્થા સાથે એસટી ડ્રાઈવર ઝડપાયો
પોરબંદરના ચાલક પાસેથી આઠ બોટલ દારૂ કબ્જે : જામનગરમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે