Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરશ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં શ્રૃંગાર દર્શન - VIDEO

શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં શ્રૃંગાર દર્શન – VIDEO

શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, ઇચ્છેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ સહિતના અનેક શિવમંદિરોમાં યોજાયા શ્રૃંગાર દર્શન: ભાવિકોના ઘોડાપૂર ઉમટયા

- Advertisement -

જામનગર સહિત હાલાર પંથકમાં ગઈકાલે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિવિધ શિવાલયોમાં આકર્ષક શ્રૃંગાર દર્શન યોજાયા હતાં. જેનો શિવભક્તોએ મોડીરાત્રી સુધી દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. શિવાલયોમાં શ્રાવણી સોમવાર નિમિત્તે મોડીરાત્રી સુધી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો.

- Advertisement -

છોટીકાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં ગઈકાલે શ્રાવણ માસના પ્રારંભ થતા શિવાલયોમાં ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી. શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી થતો હોય. શિવભકતોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો. શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલીસવારથી શિવમંદિરોમાં શિવભકતોની લાંબી કતારો લાગી હતી. શિવભકતોએ બિલ્વપત્રથી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી હતી આ ઉપરાંત દુગ્ધાભિષેક, જળાભિષેક કરી ભગવાન ભોળાનાથને રિઝવવા પ્રાર્થના કરી હતી.સવારથી જ જામનગરના શિવમંદિરોમાં બમ બમ ભોલે અને હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો. બપોર બાદ જામનગર શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, રામેશ્વરનગરમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોની શેરી નં.6 માં આવેલ જડેશ્વર મહાદેવ મંદિર, ડીકેવી નજીક આવેલ પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, જયંત સોસાયટીમાં સોમનાથ મહાદેવ મંદિર, ગાંધીનગર ખાતે આવેલ ઇચ્છેશ્વર મહાદેવ મંદિર, ગંગેશ્વર મહાદેવ મંદિર સહિતના અનેક નાના મોટા શિવમંદિરોમાં આકર્ષક શ્રૃંગાર દર્શન યોજાયા હતાં. જામનગરમાં ગાંધીનગરમાં આવેલ ઇચ્છેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ચંદ્રમોલેશ્વર સ્વરૂપના ભવ્ય દર્શન યોજાયા હતાં.

- Advertisement -

શ્રાવણ માસને લઇ શિવાલયોમાં રોશનીનો શણગાર પણ કરાયા હોય. રાત્રિના સમયે રોશનીના શણગારથી શિવાલયોમાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતાં. આ સાથે શ્રૃંગાર દર્શનને લઇ શિવભકતોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો. મોડીરાત્રી સુધી લાઈનમાં ઉભા રહીને પણ શિવભકતોએ આકર્ષક શ્રૃંગાર દર્શન કરી ભગવાન ભોળનાથના વિવિધ સ્વરૂપોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular