ભારતે શ્રીલંકા વિરૂધ્ધ ફેબ્રુઆરી-2016 બાદથી પોતાની યજમાનીમાં એક પણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ ગુમાવી નહોતી. જો કે સાત વર્ષથી ચાલ્યા આવતાં અજેય રથમાં આખરે શ્રીલંકાએ ‘પંચર’ પાડ્યું છે. ત્રણ મેચની શ્રેણીના બીજા ટી-20 મુકાબલામાં શ્રીલંકાએ ભારત સામે 16 રને જીત મેળવી ત્રણ મેચની શ્રેણીમાં 1-1થી સરભર થઈ ગયું છે.
આ મુકાબલો પૂનાના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર રમાયો હતો જેની ખાસ વાત એક એ પણ છે કે પાછલીવાર જ્યારે 2016માં ભારત શ્રીલંકા સામે હાર્યું હતું ત્યારે પણ આ જ ગ્રાઉન્ડ હતું. આ હાર માટે સૌથી મોટું કોઈ ‘વિલન’ હોય તો તે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ગણી શકાય કેમ કે તેણે પોતાના ક્વોટાની ચાર ઓવર દરમિયાન પાંચ નો-બોલ ફેંકવા ઉપરાંત બેફામ રન લૂંટાવ્યા હતા. આ ઉપરાંત બેટિંગમાં સૂર્યકુમાર યાદવ-અક્ષર પટેલ સિવાયના તમામ બેટધરો સદંતર નિષ્ફળ નિવડ્યા હતા.
2009થી અત્યાર સુધીમાં શ્રીલંકાએ ભારતની યજમાનીમાં કુલ 16 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં માત્ર ત્રણવાર ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. 2009માં હાર્યા બાદ ભારત 2016માં શ્રીલંકા સામે બીજીવાર પોતાની યજમાનીમાં હાર્યું હતું. પૂનાના મેદાન પર ભારત-શ્રીલંકા વચ્ચે આ ત્રીજો ટી-20 મુકાબલો રમાયો હતો. આ મેદાન ઉપર ભારત માત્ર એક જ મેચ જીતી શક્યું છે, બાકીના બન્ને મેચમાં તેનો પરાજય થયો છે. 9 ફેબ્રુઆરી-2016માં રમાયેલી પાછલી મેચમાં ભારતે પાંચ વિકેટે હાર ખમવી પડી હતી.
મેચની વાત કરવામાં આવે તો ભારત વતી ઑલરાઉન્ડર અક્ષર પટેલ (65 રન) અને સૂર્યકુમાર યાદવ (51 રન)એ લંકાનો અડીખમ રહીને સામનો કર્યો હતો પરંતુ જીત અપાવી શક્યા નહોતા. કરિયરની પહેલી ફિફટી બનાવનારા અક્ષર પટેલે સૂર્યકુમાર યાદવ સાથે પાંચમી વિકેટ માટે 91 રન ફટકારી આશા જગાવી હતી પરંતુ દિલશાન મદુશંકાએ સૂર્યાને હસારંગાના હાથે કેચ કરાવીને આ ભાગીદારીને તોડી હતી. અક્ષર જ્યાં સુધી ક્રિઝ પર હતો ત્યાં સુધી જીતની આશા હતી પરંતુ અંતિમ ઓવરના ત્રીજા બોલે કેપ્ટન શનાકાએ તેને આઉટ કરી લંકાની જીત નિશ્ર્ચિત બનાવી દીધી હતી. શિવમ માવીએ 15 બોલમાં 26 રનની ઈનિંગ રમી હતી. શ્રીલંકાના શનાકા, મદુશંકા અને કાસુન રજિથાએ બે-બે વિકેટ મેળવી હતી. ભારતીય ટોપ ઓર્ડરે ફરી નિરાશ કર્યા હતા. પહેલી મેચમાં સાત રન બનાવનારા શુભમન ગીલ બીજી મેચમાં પણ પાંચ રન બનાવીને ચાલતો થયો હતો. ઈશાન કિશન (બે રન) અને પહેલી મેચ રમનારા રાહુલ ત્રિપાઠી (પાંચ રન) તેમજ કેપ્ટન હાર્દિક પંડ્યા (12 રન) 28 બોલની અંદર જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ત્યારે સ્કોરબોર્ડ ઉપર માત્ર 34 રન જ બન્યા હતા.
આ પહેલાં શ્રીલંકાઈ કેપ્ટન દાસુન શનાકા (અણનમ 56 રન) અને કુશલ મેન્ડીસ (52 રન)એ તોફાની ફિફટી ફટકારી શ્રીલંકાને 200ને પાર પહોંચાડ્યું હતું. શનાકાએ ચમિકા કરુણારત્ને (અણનમ 11 રન) સાથે અંતિમ ચાર ઓવરમાં 68 રનની અતૂટ ભાગીદારી કરી હતી. મેન્ડીસે પાથુમ નિશંકા સાથે પહેલી વિકેટ માટે 8.2 ઓવરમાંં 80 રનની ભાગીદારી કરી હતી. પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરનારા શિવમ માવીએ બીજી મેચમાં ચાર ઓવરમાં જ 53 રન લૂંટાવી દીધા હતા અને કોઈ જ વિકેટ મેળવી શક્યા નહોતા. નવા વર્ષમાં પહેલી મેચ રમી રહેલા અર્શદીપ સિંહે પોતાની પહેલી અને ટીમની બીજી ઓવરમાં સળંગ ત્રણ નો-બોલ ફેંક્યા હતા. તેણે બે ઓવરમાં 37 રન આપ્યા હતા અને એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો. ભારતીય બોલરોએ કુલ સાત નો-બોલ ફેંક્યા હતા. ઉમરાન મલિકે ત્રણ વિકેટ જરૂર ખેડવી પરંતુ 48 રન આપી દીધા હતા. અક્ષર પટેલે 24 રન આપીને બે તો યુઝવેન્દ્ર ચહલે 30 રન આપીને એક વિકેટ પોતાના નામે કરી હતી.