કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા યુવાને થોડા સમય અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતાં. ત્યારબાદ કામ ધંધો કરતો ન હોવાથી તેના પિતાએ આપેલા ઠપકાનું લાગી આવતા દોરડા વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી હતી. જામનગર શહેરના ટાઉનહોલ પાસે ભીડભંજન મહાદેવ મંદિર નજીકથી આશરે 65 વર્ષના વૃદ્ધનો મૃતદેહ સાંપડતા પોલીસે ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતાં રાહુલ નાનજીભાઈ પરમાર (ઉ.વ.26) નામના મજૂરીકામ કરતા યુવાને થોડા સમય અગાઉ પ્રેમલગ્ન કર્યા હતાં અને ત્યારબાદ કોઇ કામ-ધંધો કરતો ન હોવાથી તેના પિતા નાનજીભાઈએ કામ કરવા બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા રવિવારે બપોરના સમયે તેના ઘરે દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતા નાનજીભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના ગાંધીનગરમાં રહેતાં અને સામાજિક કાર્ય કરતા હિતેશગીરી લાલગીરી ગોસાઇ નામના યુવાનને ટાઉનહોલ નજીક ભીડભંજન મહાદેવ મંદિર પાસેથી 65 વર્ષના વૃદ્ધ બેશુદ્ધ હાલતમાં મળી આવતા પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ એ બી સપિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.