જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતાં મહિલાને તેણીના જ પુત્રએ નશાની હાલતમાં આવી મહિલા તથા તેની પુત્રવધૂને અપશબ્દો બોલી માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મુંગણી ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતાં ગીતાબા જાડેજા નામના પ્રૌઢા ગત તા.14 ના રોજ રાત્રિના સમયે તેમના ઘરે હતાં તે દરમિયાન તેનો પુત્ર યોગીરાજસિંહ જાડેજા એ નશાની હાલતમાં આવી તેની માતા ગીતાબા અને પત્ની ચાંદનીબા સાથે માથાકૂટ કરતો હતો તેમજ માતા અને પત્નીને મુંઢ માર મારી ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. નશાની હાલતમાં નરાધમ પુત્રએ માતા ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કર્યાના બનાવમાં ઘવાયેલા માતા અને પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફે યોગીરાજસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.