નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલયમાં આજે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. આરએસએસ ચીફ મોહન ભાગવતે રેશિમબાગ મેદાનમાં કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું- કેટલાક લોકો ભારતમાં શાંતિ નથી ઈચ્છતા. કટ્ટરતા ફેલાવે છે. જેના કારણે દુનિયામાં યુદ્ધો થાય છે. ભાગવતે કહ્યું- દુનિયામાં ભારતીયોનું ગૌરવ વધી રહ્યું છે. આપણો દેશ દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. દિલ્હીમાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદેશી મહેમાનોની આતિથ્ય સત્કાર બદલ ભારતની પ્રશંસા કરવામાં આવી હતી. વિશ્ર્વએ વિવિધતાથી શણગારેલી આપણી સંસ્કૃતિનું ગૌરવ અનુભવ્યું.
મોહન ભાગવતે કાર્યક્રમ પહેલા આરએસએસના સ્થાપક ડો કેશવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી તેમણે કાર્યક્રમના મુખ્ય અતિથિ ગાયક શંકર મહાદેવન સાથે શાસ્ત્ર પૂજા કરી હતી. શંકર મહાદેવને કહ્યું- અખંડ ભારતના વિચાર અને તેની સંસ્કૃતિને બચાવવામાં આરએસએસથી વધુ કોઈએ યોગદાન આપ્યું નથી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. સંઘના કાર્યકરોએ સીપી અને બેરાર કોલેજ ગેટ અને રેશિમબાગ ગ્રાઉન્ડથી રૂટ માર્ચ કાઢી હતી. ગયા વર્ષે, ભૂતપૂર્વ પર્વતારોહક અને બે વખત માઉન્ટ એવરેસ્ટના વિજેતા સંતોષ યાદવને વિજયાદશમી ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પહેલીવાર બન્યું જ્યારે શાસ્ત્ર પૂજા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કોઈ મહિલા હાજર રહ્યા.