જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ પર ભાડાની ઓરડીમાં રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદેસર રીફીલીંગ કરતા શખ્સને એસઓજીની ટીમે રેઈડ દરમિયાન રૂા.45,600 ના સાધન સાથે ઝડપી લીધો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ પર દરગાહની સામે આવેલી રજવી ગેસ એજન્સીની પાછળ ભાડાની ઓરડીમાં ગેરકાયદેસર રીફીલીંગ કરાતું હોવાની એસઓજીના ચંદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, હર્ષદ ડોરીયા અને અનિરૂધ્ધસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ જે.ડી. પરમાર, આર.એચ.બારના માર્ગદર્શન હેઠળ ટીમે રેઈડ દરમિયાન નિશાંત ઉર્ફે જશવંત રામનાથ શ્રીવાસ્તવ નામના શખ્સની ઓરડીમાંથી રાંધણગેસના ભરેલા બાટલાઓમાંથી ગેસના ખાલી બાટલાઓમાં રીફીલીંગ કરાતું હતું. પોલીસે 18 નંગ નાના મોટા ગેસના ભરેલા તથા ખાલી બાટલાઓ તેમજ લોખંડની ઇલેકટ્રીક એસેમ્બલ મોટર, પ્લાસ્ટિકના પાઈપ, રેગ્યુલેટર, નોઝલ અને વજનકાંટો મળી કુલ રૂા.45,600 નો મુદ્દામાલ કબ્જે કરી નિશાંતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.