જામનગર એસઓજી પોલીસે લાલપુરમાંથી એક બોગસ ડોકટરને પકડી પાડયો છે.
લાલપુરમાં જૈન સમાજની વાડી સામે બોગસ ડોકટર ગેરકાયદે પ્રેકટીસ કરીને દર્દીઓના જીવન સાથે ચેડા કરતો હોવાની બાતમીના આધારે જામનગર એસઓજી પોલીસની ટુકડીએ આ જગ્યાએ દરોડો પાડયો હતો. દરોડા સમયે રાજેશ માખણશા નામનો શખ્સ કોઇપણ જાતની ડિગ્રી વગર દર્દીઓને તપાસી દવાઓ આપી તેમજ ઈન્જેકશન અને બાટલા પણ ચડાવતો હોવાનું જણાતા પોલીસે આ ઘોડા ડોકટરને ઝડપી લીધો હતો તેમજ ગેરકાયદે ડીસ્પેન્સરીમાંથી દવા, ઈન્જેકશન, સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન વગેરે મળી કુલ રૂા.1615 નો મુદ્દામાલ પણ કબ્જે કરી ઘોડા ડોકટર સામે ગુજરાત મેડીકલ પ્રેકિટસનર્શ એકટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 40 વર્ષનો આ પટેલ શખ્સ લાલપુરમાં પ્રગટેશ્ર્વર સોસાયટીમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે. આ કાર્યવાહી એસઓજી ઈન્સ્પેકટર બી.એન.ચૌધરીની સૂચનાથી એસઓજીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર કે.જે.ભોયે, સબ ઈન્સ્પેકટર એ.એસ.ગરચર તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.