જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં શખ્સ પાસેથી એસઓજીની ટીમએ ગાંજાના જથ્થો અને મોબાઇલ મળી રૂા. 24 હજારના મુદામાલ સાથે શખ્સને ઝડપી લઇ સપ્લાયર સહિતના બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા વિપુલ ભીખુ ગોંડલિયા નામના શખ્સ પાસે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો હોવાની બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મયૂરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઇ બી. એન. ચૌધરી, પીએસઆઇ એસ. પી. ગોહિલ તથા સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન વિપુલ ભીખુ ગોંડલિયા નામના શખ્સને બીએસએનએલના મોબાઇલ ટાવર પાસે ગાંજાનું છૂટક વેચાણ કરતા દબોચી લઇ તેના કબ્જામાંથી રૂા. 19 હજારની કિંમતનો 1 કિલો 900 ગ્રામ ગાંજાનો જથ્થો અને રૂા. પાંચ હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા. 24 હજારનો મુદામાલ સાથે દબોચી લઇ પૂછપરછ હાથ ધરતાં આ ગાંજાનો જથ્થો બનાસકાંઠા જિલ્લાના અંબાજી ગામમાં રહેતાં સુખરામ પાસેથી ખરીદ્યાની કેફિયતના આધારે એસઓજીએ બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


