Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સામાજિક અધિકારિતા શિબિર-દિવ્યાંગો માટે સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો

જામનગરમાં સામાજિક અધિકારિતા શિબિર-દિવ્યાંગો માટે સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહ્યા: હાલારના 3805 દિવ્યાંગોને 3.56 કરોડથી વધુના 6225 સાધનોનું વિતરણ કરાશે: સાંસદ પૂનમબેન માડમની સાંસદનિધિ થકી 220 દિવ્યાંગોને ટ્રાઇસિકલ એનાયત

- Advertisement -

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતના અધ્યક્ષ સ્થાને અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય અતિથિપદે આજરોજ જામનગર ખાતે સામાજિક અધિકારિતા શિબિર અને દિવ્યાંગજનો માટે વિનામૂલ્યે સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી, કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિકસિત સમાજમાં દરેક વર્ગનો વિકાસ થાય તે ખૂબ આવશ્યક છે. જે સમાજ દિવ્યાંગોની ચિંતા કરતો નથી તે પોતે જ દિવ્યાંગ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મજબૂત દેશના નિર્માણ માટે દિવ્યાંગોને સાથે લઈ મુખ્યધારામાં આગળ ધપાવી સામાન્ય સમજવા માટે લોકોને દ્રષ્ટિકોણ બદલવા અપીલ કરી હતી. દિવ્યાંગોની ઉપેક્ષા ન કરી, સન્માનિત કરી તેમને સક્ષમ બનાવવામાં યોગદાન આપવા જણાવ્યું હતું.

- Advertisement -



કોવિડ મહામારી દરમિયાન પણ દિવ્યાંગો માટેની આવી મહત્વપૂર્ણ કામગીરી નિરંતર થઇ રહી છે તે બદલ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારનો અને જામનગર ખાતેના આ કેમ્પ માટે સાંસદ પૂનમબેન માડમનો આભાર વ્યક્ત કરી, સમાજમાં દિવ્યાંગો માટેની ચેતનાની પ્રશંસા કરતા દિવ્યાંગો પોતે પણ પોતાને અસક્ષમ ન સમજી જીવનમાં આગળ વધે તેવી અભ્યર્થના દર્શાવી હતી.
આ તકે અધ્યક્ષ થાવરચંદ ગેહલોતે સાંસદ પૂનમબેન માડમની પોતાના સંસદીય વિસ્તારના દિવ્યાંગો માટેની સંવેદનાની પ્રશંસા કરી હતી તેમજ આ કેમ્પમાં સાંસદ પૂનમબેનની સાંસદ નિધિમાંથી 220 જેટલા લોકોને મોટરાઈઝડ ટ્રાઈસીકલ એનાયત કરવામાં આવી હતી જે બદલ સાંસદને બિરદાવ્યા હતા. તદુપરાંત મંત્રીએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્વારા દિવ્યાંગજનો માટે કાર્યાન્વિત વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની “સૌના સાથ સૌના વિકાસની વિભાવનાને ચરિતાર્થ કરતા દિવ્યાંગોના વિકાસ માટે પણ અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગજનો માટે શિક્ષણમાં પાંચ ટકા આરક્ષણ અને શાસકીય બાબતોમાં ચાર ટકા આરક્ષણ લાવવામાં આવ્યું કે જેથી દિવ્યાંગોને આર્થિક, શિક્ષિત રીતે સધ્ધર બનાવી શકાય.

વળી દિવ્યાંગોને વધુ સુવિધાયુક્ત સમાજ વ્યવસ્થા આપવા માટે સુગમ્ય ભારત યોજના પણ લાગુ પાડવામાં આવી છે જેના દ્વારા સરકારી કચેરીઓ, રેલ્વે સ્ટેશનો, એરપોર્ટ, બસ જેવા જાહેર સ્થાનોને રેમ્પ, અલગ શૌચાલય વગેરે દિવ્યાંગોની સુવિધાલક્ષી વ્યવસ્થાઓ સાથે સજ્જ કરવામાં આવ્યા છે. તો 15 ખાનગી સમાચાર ચેનલ દ્વારા પણ દિવ્યાંગો માટે સુગમ્ય સમાચાર બુલેટિન પ્રસારિત કરવામાં આવે છે. દિવ્યાંગો માટે 1216 જેટલી વિવિધ યોજનાઓ કાર્યાન્વિત છે સાથે જ દિવ્યાંગો માટે યુનિવર્સલ આઈડેન્ટીટી કાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે જેના થકી દેશના કોઇપણ દિવ્યાંગજનને પોતાની અલગ ઓળખ મળશે અને યોજનાઓના લાભ માટે પણ ખૂબ જ ફાયદાકારક રહેશે.

પેરાલિમ્પિક જેવી ખેલ સ્પર્ધાઓમાં પણ ભારતના દિવ્યાંગોએ પરચમ લહેરાવ્યો છે ત્યારે દેશમાં પાંચ અલગ ઝોનમાં દિવ્યાંગો માટે પાંચ ખેલ સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવશે, જેમાં અમદાવાદ ખાતે એક દિવ્યાંગ ખેલ સંસ્થા નિર્મિત કરવામાં આવશે.

નવસારીના સાંસદ સી.આર. પાટીલે સાંસદ પૂનમબેન માડમને કેમ્પના આયોજન બદલ અભિનંદન પાઠવી દિવ્યાંગોને શારીરિક સ્થિરતા સાથે જ આર્થિક સ્થિરતા માટે પણ મદદરૂપ બનવા લોકોને આહ્વાન કર્યું હતું, તો ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમારે દિવ્યાંગ લાભાર્થીઓની સુવિધામાં વધુ ઉમેરો થાય અને દિવ્યાંગ વધુ કાર્યદક્ષ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, તાલીમ, શિષ્યવૃત્તિ વગેરેલક્ષી રાજ્ય સરકારની યોજનાઓ વિશે જાણકારી આપી હતી.

આ તકે કૃષિ અને પરિવહન મંત્રી આર.સી.ફળદુએ દિવ્યાંગોના હૃદયની વાતને વાચા આપતા આવા કાર્યક્રમો વધુમાં વધુ થાય તેવી અભ્યર્થના સાથે દિવ્યાંગો આર્થિક રીતે પણ આત્મનિર્ભર બને તે માટેના પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળની યોજનાઓના લાભ આગામી દિવસોમાં દરેક દિવ્યાંગ સુધી પહોંચશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ કેમ્પના માનસ ઘડવૈયા તેવા સાંસદ પૂનમબેન માડમે દિવ્યાંગોની ઉર્જા અને તેમના મજબૂત મનોબળની પ્રશંસા કરી પ્રધાનમંત્રીના દરેક નાગરિકને સમાન અધિકાર પ્રાપ્ત થાય તે માટેની નેમ સાથે જ દેશના દિવ્યાંગોને પણ સમાન અધિકાર પ્રાપ્ત થાય તે માટે અધિનિયમ કે યોજનાના માધ્યમ દ્વારા પ્રધાનમંત્રીની દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા તરફની પહેલ સાથે જામનગર પણ જોડાયું છે તેવો આત્મવિશ્વાસ પ્રગટ કર્યો હતો. દિવ્યાંગો અશક્ત નહીં પરંતુ સામાન્ય લોકો કરતાં પણ વધુ સશક્ત છે તેમ કહી સાંસદએ આ કેમ્પના માધ્યમ દ્વારા દિવ્યાંગોને સામાજિક મુખ્યધારામાં લાવવા માટેના પોતાના પ્રયાસની સંપૂર્ણ માહિતી આપી હતી. વર્ષ 2019માં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેબ્રુઆરી માસ દરમિયાન દિવ્યાંગોના સાધન સહાય માટે સર્વે કેમ્પ યોજાવામા આવ્યા હતા.

ત્યારબાદ કોરોના મહામારીને લઈને હવે એસ.ઓ.પીના પાલન સાથે હાલારના બંને જિલ્લાના 3805 દિવ્યાંગોને 3 (ત્રણ) કરોડ 56 લાખ 91 હજારના 6225 ઉપકરણોનું વિતરણ કરવામાં આવશે. જેમાં મોટરાઈઝડ ટ્રાઈસીકલ, વોકિંગ સ્ટિક, સ્માર્ટફોન, સ્માર્ટ કેન, કાનનું મશીન. એમ.એસ.આઇ.ડી કિટ કૃત્રિમ અંગ અને કેલીપર્સ વગેરે ઉપકરણો એનાયત કરવામાં આવશે. આ પ્રયાસમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને એલિમ્કોને સહકાર બદલ સાંસદએ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતનો આભાર વ્યકત કર્યો હતો.

સાંસદ તથા અન્ય મહાનુભાવોના હસ્તે 15 લાભાર્થીઓને સ્ટેજ પરથી સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી, અન્ય લાભાર્થીઓને આગામી દિવસોમાં કોરોનાની માર્ગદર્શિકાના પાલન સાથે સાધન વિતરિત કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો જેમાં લાભાર્થીઓએ ખૂબ હર્ષ વ્યક્ત કરતા સાંસદનો આભાર વ્યકત કર્યો હતો.

75મા ભારત અમૃત મહોત્સવના ઉપક્રમે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત ધન્વંતરી ઓડિટોરિયમ-જામનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, સ્ટેંડિંગ કમીટી ચેરમેન મનીશભાઇ કટારીયા, ભરતભાઇ બોરસદીયા, કલેક્ટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ વગેરે પદાધિકારી- અધિકારીઓ સહિત લાભાર્થી દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular