ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેવામાં અહિયાં સીટીબસ સેવા,ગાર્ડન,પ્રાણી સંગ્રહાલય, સ્પોર્ટ્સ સંકુલ બંધ કરી દેવામાં આવ્યા છે. સુરતમાં શાળાઓમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા હોવાથી શાળાઓ અને ટ્યુશન ક્લાસ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
સુરત સહીત ચાર મહાનગરોમાં રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યું છે. પરંતુ આજથી સુરતમાં પાન-મસાલાના ગલ્લા અને ચા ની લારી પણ 7 વાગ્યા પછી બંધ કરાવવામાં આવશે. તેમજ સ્ટ્રીટ વેન્ડરોને પણ સાંજે 7 વાગ્યા બાદ વ્યવસાય ન કરવા સુરત મહાનગરપાલિકા દ્રારા સુચના આપવામાં આવી છે. સુરતમાં બીઆરટીએસ, સીટી બસ સેવા, થીયેટર, ગેમઝોન,સ્પોર્ટ્સ ક્લબ, જીમ અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવામાં આવ્યા છે. તો રાત્રીના 9 વાગ્યા બાદ રેસ્ટોરન્ટ, ખાણી-પીણીની લારીઓ પણ બંધ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વડોદરામાં છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયમાં અચાનક કોરોનો પોઝીટીવ કેસો વધતા સેવાસી નજીક આવેલા ખાનપુર ગામમાં 31 માર્ચ સુધીમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ બગીચાઓ અને પ્રાણી સંગ્રહાલયો બંધ કરવામાં આવ્યા છે.