પારૂલ આહિર
વેક્સિનેશનમાં દેશભરમાં અગ્રેસર રહેલા જામનગર શહેર માટે હર્ડ ઈમ્યુનીટી મેળવવાની સૌથી સારી તક રહેલી છે. જામનગરના સત્તાધીશો અને આરોગ્યતંત્ર વેક્સિનેશનને એક ઝુંબેશ તરીકે સ્વીકારી આ માટેના સનિષ્ઠ પ્રયાસો હાથ ધરે તો જામનગરીઓની દિવાળી સુધરી શકે તેમ છે.
કોરોનાની બીજી લહેરે જામનગર સહીત રાજ્ય અને દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. હાલ વિશ્ર્વમાં વેક્સીન એક માત્ર કોરોના સામેનું સુરક્ષા કવચ હોવાનું પ્રસ્થાપિત થઇ રહ્યું છે ત્યારે જામનગરમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની શરૂઆત થઇ છે. 1મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન આપવમાં આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે મહત્વની વાતએ છે કે વેક્સિન લીધા બાદ જામનગરમાં હર્ડ ઈમ્યુનીટી ક્યારે આવશે ? જો જામનગરમાં રોજે 5000 લોકોને વેક્સીન આપવામાં આવે તો દિવાળી સુધીમાં હર્ડ ઈમ્યુનીટી આવી શકે. અને શહેરીજનોની દિવાળી સુધરી શકે.
હર્ડ ઈમ્યુનિટી એટલે શુ અને તે ક્યારે આવે ?
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે કોઈ પણ વિસ્તારની વસ્તીના 70% હિસ્સાને વેક્સિનેટેડ કરી દેવામાં આવે તો હર્ડ ઈમ્યુનિટી વિકસિત થાય છે. જે કોઈપણ બીમારી સામે રક્ષણ આપે છે. જેના કારણે મોટાભાગની વસતી સંક્રમણથી સુરક્ષિત થઇ શકે છે. જો જામનગરને સંક્રમિત થતાં બચાવવું હોય તો તંત્રએ મોટા પાયે વેક્સીનેશન ઝુંબેશ હાથ ધરવી પડે અને રોજેના 5000 લોકોને વેક્સીન આપવામાં આવે તો જામનગરને દેશભરમાં મોડેલ તરીકે રજુ કરી શકાય.
તો જામનગરમાં ઓક્ટોબર સુધીમાં આવી જાય હર્ડ ઈમ્યુનીટી
જામનગર શહેરની કુલ વસ્તી 6.5લાખ છે. હર્ડ ઈમ્યુનીટી માટે 70% લોકોનું રસીકરણ થવું જરૂરી છે. એટલે કે જામનગરના 4,50,000 લોકોને વેક્સીન આપવી જરૂરી છે.16જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એટલે કે તા.7મે સુધીમાં શહેરના 1,50,811 લોકો વેક્સીન લઇ ચુક્યા છે. હર્ડ ઈમ્યુનીટી માટે હજુ 3લાખ લોકોએ વેક્સીન લેવી જરૂરી છે. જો રોજે 5000 લોકોને વેક્સીન આપવામાં આવેતો 60 દિવસમાં એટલે કે જુલાઈના મધ્ય સુધીમાં 3લાખ લોકોને વેક્સીન અપાઈ જાય. અને ઓકટોબર મહિનામાં જામનગરમાં હર્ડ ઈમ્યુનીટી આવી જાય. શહેરના તંત્ર માટે રોજે 5000 લોકોને વેક્સીન આપવી એ શક્ય પણ છે. કારણકે આ અગાઉ પણ શહેરમાં 5000થી વધુ લોકોને માત્ર એક દિવસમાં વેક્સીન આપવામાં આવી છે. તાજેતરમાં જ 1લી મે ના રોજ 5098 લોકોને વેક્સીન આપવામાં આવી હતી. જો તંત્ર દ્રારા આ જ રીતે ઝુંબેશ ચાલુ રાખવામાં આવે તો રોજે પણ આટલા લોકોને વેક્સીન આપી શકાય પરંતુ તે માટે રસીનો જથ્થો પણ ઉપલબ્ધ હોવો જરૂરી છે અને સાથે સાથે આરોગ્ય સ્ટાફ પણ પુરતો હોવો જરૂરી છે. તો જ 2 મહિનામાં 3લાખ લોકોનું રસીકરણ કરી શકાય અને ઓકટોબર મહિનામાં જામનગરમાં હર્ડ ઈમ્યુનીટી આવી જાય અને સંક્રમણનો ભય ઓછો થતાં લોકોની દિવાળી સુધરી જાય. આ માટે જરૂર છે પ્રબળ ઈચ્છાશક્તિની અને સુવ્યવસ્થિત આયોજનની.
’તો દિવાળી સુધીમાં જામનગરમાં હર્ડ ઇમ્યુનિટી આવી શકે
હર્ડ ઇમ્યુનિટી માટે શહેરની 70 ટકા વસતિને વેક્સિન આપવી પડે : 6.5 લાખની વસતિ પૈકી 4.50 લાખની વેક્સિન અપાય તો જામનગરીઓની દિવાળી સુધી જશે : તંત્ર વેક્સિનેશનને ઝુંબેશ તરીકે સ્વીકારે તો આ શકય પણ છે : જામનગર બની શકે છે દેશભરમાં મોડેલ શહેર