દેશભરમાં હવામાનમાં ઝડપથી પલટો આવી રહ્યો છે, જેથી ક્યાંક તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ક્યાંક વરસાદની આશંકા છે. ઉત્તર ભારતના હિમાલયન પર્વતોમાં નવેસરથી હિમવર્ષા થવાથી મેદાની વિસ્તારોમાં ઠંડી વધવાની શક્યતા છે. હાલ દિવસે ગરમીના કારણે તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. જોકે, ગુજરાતમાં રાત્રી તાપમાન ઘટાડો થવાની તથા દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા છે. પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના વિસ્તારોમાં સવારે તીવ્ર ગતિએ પવન ફૂંકાયો હતો, જેથી વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. બીજીબાજુ દિવસના સમયમાં ગરમીએ લોકોને ઠંડીથી રાહત આપી છે. દેશની રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં તાપમાનમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, જેથી વાતાવરણમાં પલટો આવ્યો છે.
જોકે, દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદનો પ્રકોપ જોવા મળ્યો છે, જેથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગે દેશના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગ મુજબ ગુજરાત, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં વેસ્ટર્ન ડીસ્ટ્રબન્સને લીધે 14મી ફેબુ્રઆરીની રાત્રે હિમાલય વિસ્તાર પ્રભાવિત થવાની સંભાવના છે. તેનાં પરિણામે કાશ્મીર, લડાખ, ગિલ્ગિટ, બાલ્ટીસ્તાન અને મુઝફરાબાદમાં આંધી અને ગડગડાટ સાથે હળવો તથા છૂટો છવાયો વરસાદ તથા હિમવર્ષાની પણ સંભાવના જોવા મળી રહી છે.હવામાન વિભાગે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા સાથે વરસાદની પણ ચેતવણી આપી છે.