ખંભાળિયા પંથકમાં ચોમાસાના પ્રારંભે હાલ નોંધપાત્ર વરસાદ વરસી ચુક્યો છે. અનેક નદી-નાળા છલકાઈ ગયા છે. તેમ છતાં પણ હજુ ઉનાળા જેવો ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં જમીનમાં રહેતા સાપ બહાર નીકળી રહ્યા છે અને ઠેર ઠેર નાગદેવતા જોવા મળે છે. આ પરિસ્થિતિમાં લોકોના ભય વચ્ચે સાપના રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવે છે.
અહીંના એનિમલ કેર સંસ્થાના કુંજન શુક્લાએ શહેર નજીકના ધરમપુર યોગેશ્વરનગરમાંથી ચાર ફૂટનો કોબ્રા સાપ, મહાપ્રભુજીની બેઠક પાસેથી ત્રણ ફૂટનો ક્રેટ સાપ, શ્રીજી સોસાયટીમાંથી દોઢ ફૂટનો કોબ્રા સાપ, શિવમ સોસાયટીમાંથી ત્રણ ફૂટનો કોબ્રા સાપ તથા જામનગર રોડ પર જાખર ગામે આવેલા વાડી વિસ્તારમાં એક ખેડૂતના મકાનમાંથી સાડા ચાર ફૂટ લાંબો કોબ્રા સાપ નીકળતા આ સાપના રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે છોડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.