છેલ્લાં ઘણા સમયથી જામનગરની લાખોટા નેચર કલબ ફ્રી સાપ બચાવની કામગીરી ઘાયલ પક્ષઈનો બચાવવા અને તેની સારવાર, વૃક્ષારોપણ કરવું તેમજ પ્રકૃતિ સંરક્ષણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે.
સંસ્થામાં છેલ્લા ઘણા સમયથી સેવા આપતા પ્રકૃત્તિપ્રેમી ડો. અરુણકુમાર રવિને જામનગરના એરફોર્સ-2 રહેણાંક વિસ્તારમાંથી ઘરમાં સાપ હોય, સાપને પકડવા માટે ફોન આવતાં ત્યાં પહોંચી રહેણાંક વિસ્તારમાંથી બેન્ડેડ રેસર, ઘઉંલો પ્રજાતિના સાપને પકડી (24 ફેબ્રુ. 2021) તેની બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ આ સાપને સંસ્થામાં રાખવામાં આવતાં જણાયું હતું કે, આ સાથે 21 જેટલા ઇંડા મૂકયા હતાં (25 ફેબ્રુ.-2021) જેથી સંસ્થામાં પ્રકૃતિપ્રેમી અરુણકુમાર, રજતભાઇ તેમજ સૂરજભાઇ જોશી દ્વારા આ ઇંડાને સાચવી રાખ્યા હતાં. ત્યારબાદ આ ઇંડાને 56 દિવસ સુધી જરુરી વાતાવરણ તેમજ તાપમાન સાથે ઉછેરવા માટે રાખવામાં આવ્યા હતાં. 56 દિવસ (21 એપ્રિલ-2021)ની મહેનત અને જહેમત બાદ તેમજ રોજબરોજની વૈજ્ઞાનિક જાળવણી બાદ આ દરેક ઇંડામાંથી બચ્ચાને જન્મ આપવામાં સફળતા મળી હતી. જેમાંથી 17 ઇંડામાંથી સફળતાપૂર્વક સાપના બચ્ચાઓ બહાર આવ્યા હતાં. તેમજ 4 ઇંડામાંથી કોઇ કારણોસર બચ્ચા નિકળી શકયા ન હતાં.
ત્યારબાદ નવા જન્મેલ 17 બચ્ચાઓને જંગલ ખાતાની મદદથી પ્રકૃતિના ખોળે ફરીથી છોડી મૂકવામાં આવ્યા હતાં. લાખોટા નેચર કલબ દ્વારા આ પ્રકારની સાપ બચાવની તેમજ પક્ષી બચાવની કામગીરી છેલ્લા 35 વર્ષથી વિનામૂલ્યે કરવામાં આવે છે. જામનગર શહેરમાં કે આસપાસમાં કોઇપણ એ રહેણાંક વિસ્તારમાં સાપ કે પક્ષી બચાવ માટે ડો. અરુણકુમાર રવિ મો. 88661 22909, રજતભાઇ મો. 70165 73265, સૂરજભાઇ જોશી મો. 70167 76596નો સંપર્ક કરવા યાદી જણાવે છે.