જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા નાનકપુરી મંદિરમાં દરવાજો ખોલી એક ટીવી અને પંખા સહિત રૂા.16 હજારની કિંમતનો સામાન ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા નાનકપુરી વિસ્તારમાં આવેલા મંદિરમાં સોમવારે રાત્રિના સમયે અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા અને દરવાજો બળપૂર્વક ખોલીને મંદિરના ગર્ભગૃહ બહાર રાખેલ સીસીટીવી કેમેરા માટેનું રૂા.15 હજારની કિંમતનું એલઇડી ટીવી અને રૂા.1 હજારની કિંમતના એક દિવાલ પંખો મળી કુલ રૂા.16 હજારની કિંમતનો સામાન ચોરી કરીને લઇ ગયા હતાં. ત્યારબાદ આ બનાવ અંગેની વેપારી કેશુભાઇ આહુજા દ્વારા જાણ કરાતા પી.આઇ. એમ. જે. જલુ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. જો કે, તસ્કરો સીસીટીવી કેમેરા માટેનું ટીવી ચોરી ગયા હોય જેથી પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા આજુ-બાજુમાં પૂછપરછ હાથ ધરી હતી.