જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં મુખ્યમાર્ગ પર આવેલા ખોડિયાર મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતાં અને મંદિરમાંથી ચોરી કરી પલાયન થઈ ગયા હતાં. મંદિરમાં થયેલી ચોરીના બનાવની જાણના આધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. થોડા દિવસ અગાઉ આ રોડ પર એક મોબાઇલ શોપમાં ચોરી થઈ હતી. આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની રોડ પર આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં વહેલસવારના સમયે તસ્કરો ત્રાટકયા હતાં મંદિરના દરવાજાનું તાળુ તોડી મંદિરમાં પ્રવેશ કરી દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી ગયા હતાં અને મંદિરમાંથી ચોરી કરી નાશી ગયા હતાં. સવારના સમયે પૂજારીએ મંદિરમાં ચોરી થયાની જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મંદિરમાં થયેલી ચોરી અંગે તપાસ આરંભી અને મુખ્યમાર્ગ પર તથા આજુબાજુમાં રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં અને આ ચોરીના બનાવ અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. જો કે, મંદિરમાં થયેલી ચોરીમાં કેટલાંની રોકડ રકમ ગઈ છે ? તે હજુ જાહેર થયું નથી. ઉલ્લેખનીય બાબત એ છે કે, આ જ વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એક મોબાઇલની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને ત્યારબાદ થોડા દિવસ પછી મંદિરમાં ચોરીની ઘટના બની છે. જો કે, પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.