જામનગર શહેરમાં કોરોના કાળ બાદ છેલ્લાં બે માસથી તસ્કરો બેખોફ બની ગયા છે. શહેરના રહેણાંક વિસ્તારોમાં એક પછી એક થતી ચોરીના કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો છે. શહેરના ન્યુ આરામ કોલોની વિસ્તારમાં રહેતાં વ્રિપ યુવાનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તાળા તોડી રૂા.35,000 ની રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત રૂા.1.91 લાખની માલમતાની ચોરી થયાના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્વાન એફએસએલની મદદ વડે તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
કોરોના મહામારીના કપરા કાળ બાદ જામનગર સહિત દેશનું અર્થતંત્ર ધીમે ધીમે સુધારા તરફ જઈ રહ્યું છે. કોરોના સમય પછી જામનગર શહેરમાં તસ્કરોનો રંજાડ અસહય વધી ગયો છે અને જુદાં-જુદાં વિસ્તારોમાં તસ્કરો બેખોફ બની ચોરીની વારદાત કરી રહ્યા છે. શહેરના વિસ્તારોમાં વધતી જતી ચોરીના કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દરમિયાન જામનગર શહેરના ખોડિયાર કોલોની પાસે આવેલા ન્યુ આરામ કોલોની મકાન નં.બી-4, ‘દિશાંત’ માં રહેતાં અને નોકરી કરતાં અંકુશ પ્રદિપ પહાડે નામના વિપ્ર યુવાન તેમના સાળાનું મૃત્યુ થતા મહારાષ્ટ્રમાં નાગપુર ગયા હતાં અને તે દરમિયાન તા.11 થી 14 સુધી બંધ રહેલાં મકાનને તસ્કરોએ નિશાન બનાવી મુખ્ય દરવાજાના નકૂચા અને તાળા તોડી રુમમાં પ્રવેશ કર્યો હતો.
ત્યારબાદ તસ્કરોએ રૂમના કબાટની તીજોરીમાંથી રૂા.20 હજારની કિંમતનો એક તોલાનો સોનાનો ચેઈન, રૂા.10 હજારની કિંમતની બાળકોને પહેરવાની સોનાની નાની પાંચ નંગ વીટી, રૂા.40 હજારની કિંમતના બે તોલાના સોનાના બે મંગળસુત્ર, રૂા.40 હજારની કિંમતના બે તોલાના સોનાના બે નંગ પાટલા, રૂા.10 હજારની કિંમતના અડધા તોલાના સોનાના કાનમાં પહેરવાના બે નંગ જુમખા, રૂા.10 હજારની કિંમતની સોનાની અંગુઠી, રૂા.20 હજારની કિંમતના સોનાની એક તોલાની એક નંગ માળા તથા રૂા.4 હજારની કિંમતના ચાંદીના ઝાંઝરા બે નંગ અને રૂા.2 હજારની કિંમતની ચાંદીની ચાર નંગ કડલીઓ તથા રૂા.35 હજારની રોકડ રકમ મળી કુલ રૂા.1.91 લાખની માલમતાની ચોરી કરી ગયાની અંકુશ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ. એમ. સિસોદીયા તથા સ્ટાફે ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આદરી હતી.