Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં તસ્કરો બેખોફ

જામનગર શહેરમાં તસ્કરો બેખોફ

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં થોડા સમયથી તસ્કરોનો રંજાડ બેખોફ વધી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં દુકાનો અને રહેણાંક મકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

- Advertisement -

બે દિવસ પહેલાં જામનગરના ગે્રઇનમાર્કેટ અને જામજોધપુર પંથકમાંથી રોકડ અને કપાસની ચોરીના બનાવો બન્યા હતાં. જો કે, આ ચોરીના ભેદ ઉકેલાઈ તે પૂર્વે જ જામનગર શહેરમાં વિકાસ ગૃહ રોડ પર આવેલી બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. જેમાં જગજીવન કોમ્પલેકસમાં આવેલી મીનબહાદુર હિમબહાદુર ખત્રી નામના યુવાનની જે.કે.ફૂડઝોન નામની દુકાનમાં રવિવારની રાત્રિથી સોમવારે સવારે 6:30 વાગ્યા સુધીના સમયમાં અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને શટરનું તાળુ તોડી દુકાનમાં પ્રવેશ કરી સીસટીવીનું રૂા.4000 ની કિંમતનું ડીવીઆર તથા લાકડા-લોખંડના ટેબલમાં રાખેલા રૂા.1,20,000 ની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં.

- Advertisement -

તેમજ બાજુમાં આવેલી કેવલ વિનોદભાઈ કંસારા નામના યુવાનની ન્યુ પટેલ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ નામની દુકાનમાંથી રવિવારની રાત્રિ દરમિયાન તસ્કરોએ તાળા તોડી દુકાનમાં રહેલું રૂા.4000 ની કિંમતનું સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને કાળા કલરનો રૂા.9000 ની કિંમતનો એક મોબાઇલ તથા ટેબલના કાઉન્ટરમાં રાખેલી રૂા.9000 ની રોકડ રકમ મળી કુલ રૂા.22,000 ની માલમતા ચોરી કરી ગયા હતાં. તસ્કરોએ બન્ને દુકાનોમાંથી સીસીટીવીના ફૂટેજો પોલીસના હાથ ન લાગે તે માટે સીસીટીવીના ડીવીઆર જ ચોરી કરી ગયા હતાં. વિકાસ ગૃહ રોડ પર એકજ સાથે બે દુકાનોમાં ચોરીના બનાવની મીનબહાદુર દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.એમ.રાદડિયા તથા સ્ટાફે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બન્ને દુકાનોમાંથી થયેલી ચોરી અંગે વિગતો મેળવી અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

ઉલ્લેખનીય બાબત એ છે કે, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી તસ્કરો પોલીસના ખોફ વગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચોરી કરી રહ્યા છે અને પોલીસને જાણે ચેલેન્જ આપી રહ્યા હોય તેમ એક પછી એક દુકાનો-મકાનો-મુખ્ય બજારોમાં ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે. શહેર અને જિલ્લામાં વધી રહેલી ચોરીના કારણે લોકો અને વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular