ખંભાળિયા તાલુકાના સલાયા ગામે જકાતનાકા વિસ્તારમાં રહેતા ઝરીનાબેન નુરમામદ ભગાડ નામના મહિલા દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, લુડો રમતના સાધનો વડે રમતા આંકડાકીય જુગારના અખાડા પર ગત મોડી સાંજે એલ.સી.બી. પોલીસે દરોડો પાડયો હતો. આ સ્થળેથી જુગાર રમી રહેલા આમીન હાસમ ભગાડ, અકબર સિદ્દીક ભાયા, સલીમ અબ્દુલ સંઘાર, સલીમ આલી ભગાડ, હમીદ હારુન ભાયા અને અવેશ મામદ સુરાણી નામના છ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ સ્થળેથી પોલીસે રૂા. 10,850 રોકડા તથા રૂા.8,500ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન, રૂા.25 હજારની કિંમતની એક મોટરસાયકલ, રૂા.500ની કિંમતનું કેરમબોર્ડ ઉપરાંત બેનર, કુકરી, પાસો વિગેરે મળી કુલ રૂા. 44,850 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ સ્થળે લુડો રમતનો જુગારનો અખાડો ચલાવનાર મહિલા મળી ન આવતા આ સમગ્ર પ્રકરણ અંગે એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજાની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.