જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.12,270 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તીનપતિનો જૂગાર રમવાની મોસમ પૂરબહારમાં શરૂ થઈ ગઇ છે અને પોલીસ દ્વારા જૂગાર રમાતા સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં પટેલ સમાજની બાજુમાં રહેતાં મગન જાદવજી વાદી નામના પ્રૌઢના મકાન પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ વાય.આર. જોશી તથા સ્ટાફે રેઈડ દરમિયાન મગન જાદવજી વાદી, મનસુખ નરશી દવે, રાજેશ ચમન અજુડિયા, વિજય ભગવાનજી અમલાણી, મોહન હરજી વાદી, નયન મથુરભાઈ રામોલિયા નામના છ શખ્સોને રૂા.12,270 ની રોકડ રકમ અને ગંજીપના સાથે જૂગાર રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.