જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિક જામમાં બાઈક ભટકાતા વિદ્યાર્થી દ્વારા ખર્ચાની માંગણી કરાતા છ શખ્સોએ ભેગા થઈને ધોકા અને પાઈપ વડે માર માર્યો હતો તેમજ ફડાકા ઝીંકી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી બાઈકમાં નુકસાન કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં અભ્યાસ કરતા કુલદિપસિંહ હરેન્દ્રસિંહ ઝાલા નામનો યુવક તેના બાઈક પર ગત તા.13 ના રોજ રાત્રિના સમયે રાજ ચેમ્બર પાસેથી પસાર થતો હતો તે દરમિયાન ટ્રાફિક જામ હોવાથી પાછળથી આવી રહેલા કેયલો નામના શખ્સનું એકસેસ યુવકના બાઇક સાથે અથડાયું હતું. જેથી યુવકે ખર્ચાની વાત કરતા કેયલાએ તેના મિત્ર કિશન ખાંભલા (રબારી) અને ચાર અજાણ્યા શખ્સોને બોલાવ્યા હતાં અને ત્યારબાદ છ શખ્સોએ એકસંપ કરી કુલદિપસિંહ ઉપર ધોકા અને પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ કિશને યુવકને ફડાકો મારી બીજીવાર અહીંથી નિકળતો નહીં નહીંતર પતાવી દેશું તેવી ધમકી આપી હતી. ઉપરાંત યુવકના જીજે-03-જેએફ-0007 નંબરના બાઈકમાં પથર અને ોકાથી નુકસાન પહોંચાડયું હતું. ત્યારબાદ બનાવ અંગેની કુલદિપસિંહ નામના યુવક વિદ્યાર્થી દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.કે. ગોહિલ તથા સ્ટાફે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.