પૂર્વ કચ્છના ગળપાદર જિલ્લા જેલમાંથી ખુદ જિલ્લા પોલીસવડા દરોડો પાડી કેદીઓને દારૂ પીધેલી હાલતમાં તથા કેદીઓ પાસેથી મોબાઇલ ફોન ઝડપી લીધા હતાં તેમજ આ દરોડા દરમિયાન રૂા.50000 ની રોકડ રકમ પણ મળી આવતા કુલ રૂા.1,40,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડાથી જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો અને ફરજમાં બેદરકારી દાખવનાર ઈન્ચાર્જ જેલર સહિત પાંચ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યાં હતાં.
આ અંગેની વિગત મુજબ, પૂર્વ કચ્છ જિલ્લાની ગળપાદર જેલમાં કેદીઓને રૂપિયાના જોરે વીઆઈપી સુવિધાઓ આપવામાં આવતી હોવાની બાતમીના આધારે કચ્છ પોલીસે દરોડો પાડયો હતો. રેન્જ આઈજી ચિરાગ કોરડીયાની સૂચનાથી પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના નેજા હેઠળ એલસીબી, એસઓજી, ગાંધીધામ એ ડીવીઝન, બી ડીવીઝન તથા આદિપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન બેરોકોવાઈઝ તપાસણી કરતા મનોજ ઉર્ફે પકાડો માતંગ, રોહિત ગરવા, શિવભદ્રસિંહ જાડેજા, ગોવિંદ મહેશ્ર્વરી, યુવરાજસિંહ જાડેજા, રોહિતસંગ ઉર્ફે સોનુ ઠાકુર પીધેલી હાલતમાં મળી આવ્યા હતા તથા તેમની પાસેથી 100 એમ.એલ.ની પાણીની બોટલમાંથી દારૂ પણ મળી આવ્યો હતો.
આ ઉપરાંત જામનગરના વકીલ હારુન પલેજાની હત્યા કેસનો આરોપી રજાક ઉર્ફે સોપારી, નિતા ચૌધરીનો બુટલેગર સાગરિત યુવરાજસિંહ જાડેજા, પુનાના સુરજીત પરદેશી, તથા હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યા હતાં. પોલીસે વકીલ હારુન પલેજાની હત્યાના કેસમાં સંડોવાયેલ કુખ્યાત આરોપી રજાક ઉર્ફે સોપારી પાસેથી રૂા.75000 ની કિંમતનો આઈફોન 15 પ્રો મેકસ કબ્જે કર્યો હતો ત્યારબાદ બેરેકની છત સહિતના સ્થળોએ તપાસ કરતાં ત્યાંથી બિનવારસુ હાલતમાં રૂા.50 હજારની રોકડ રકમ અને એક ચાર્જર પણ મળી આવ્યું હતું. જેથી પોલીસે કુલ રૂા.1,40,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.