Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં જૈન દેરાસરમાં ધાડના છ આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા

જામનગરમાં જૈન દેરાસરમાં ધાડના છ આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા

25 હજારની મુદ્દામાલની લૂંટ : દેરાસરના કર્મચારીઓ, દર્શનાથીઓને ધમકી : આરોપીઓને લાલપુર બાયપાસ ચોકડી પાસેથી પોલીસે દબોચ્યા

- Advertisement -

જામનગર શહેરમાં આવેલી જુની તાલુકા શાળા સામેના દેરાસરમાં શનિવારે વહેલી સવારે લુખ્ખા તત્વોએ સાધુ સાથે ગેરવર્તન કરી તોડફોડ અને ધાડ કરી હતી તેમજ દેરાસરની બહાર પાર્ક કરેલાં વાહનોમાં તોડફોડ કરી હતી. હિચકારી ઘટનામાં પોલીસ અધિક્ષક દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહીની સૂચના આપતા પોલીસે છ શખ્સોને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આણદાબાવાના ચકલાથી સેન્ટ્રલ બેંક તરફ જવાના માર્ગ પર જુની તાલુકા શાળા સામે આવેલાં શ્રી વિશા ઓશવાળ શાંતિ ભુવન તપગચ્છ જૈન દેરાસરમાં શનિવારે સવારના સમયે અજાણ્યા આવારા તત્વોએ ઘુસીને દેરાસરના કર્મચારી, મંદિરના ટ્રસ્ટી, દર્શનાથીઓ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. હાજર રહેલા વ્યક્તિઓને માર મારી પતાવી દેવાની ધમકી આપી ગેરકાયદેસર અટકાયત કરી હતી. છ શખ્સોએ રૂા. 500ની કિંમતનો ચાંદીનો નાનો કળશ, રૂા. 10,000ની કિંમતનો સાચા મોતીનો હાર તેમજ રૂા.15,000ની કિંમતનો સાચા મોતીનો સોનાના પેન્ડલવાળો હાર મળીને કુલ રૂા. 25,000ની માલમત્તાની લૂંટ ચલાવી બહારથી મંદિરનો દરવાજો બંધ કરી અંદર રહેલાઓને પૂરી દીધા હતાં તેમજ મંદિરની બહાર પડેલા ત્રણ વાહનોમાં આડેધડ પથ્થર મારી તોડફોડ કરી નાશી ગયા હતાં. આ હિંચકારી ઘટના અંગે ટ્રસ્ટી કૌશિકભાઈ ઝવેરીની ફરિયાદને આધારે પ્રિતેષ ઉર્ફે પીન્ટુ ભરત પટેલ, પ્રદિપસિંહ અજીતસિંહ વાઘેલા, સંજય અશોક બાઉકીયા, જયવિર દિપક ચૌહાણ, મદ્રાસી કરણ ઉર્ફે બાડો રાજેન્દ્ર નાયર, નિર્મળ ઉર્ફે ત્રિકમ રમેશ પઢીયાર નામના 6 શખ્સો વિરૂધ્ધ પીઆઈ એમ.જે. જલુ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

આ ઘટનાના પગલે જૈન સમાજમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો હતો. તેના કારણે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચનાના આધારે પોલીસે લૂંટારુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન પીઆઈ એમ.જે.જલુ, એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા, આર.બી. ગોજિયા તથા સિટી એ ડીવીઝન અને એલસીબીના સ્ટાફે લાલપુર બાયપાસ ચોકડી પાસેથી પ્રિતેષ ઉર્ફે પીન્ટુ ભરત પટેલ, પ્રદિપસિંહ અજીતસિંહ વાઘેલા, સંજય અશોક બાઉકીયા, જયવિર દિપક ચૌહાણ, મદ્રાસી કરણ ઉર્ફે બાડો રાજેન્દ્ર નાયર, નિર્મળ ઉર્ફે ત્રિકમ રમેશ પઢીયાર નામના 6 શખ્સોને દબોચી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular