જામનગર શહેરમાં ગુરૂવારે તા. 2 જી મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભા યોજાનાર છે. જેને લઇ ગઈકાલે રાત્રે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જામનગરની મુલાકાત લીધી હતી અને વડાપ્રધાનના સભા સ્થળ ખાતે તૈયારીનું નિરીક્ષણ કર્યુ હતું. આ તકે રાજકોટ રેંજ આઈજી, જામનગર જિલ્લા પોલીસવડા તેમજ ભાજપાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જામનગર સહિત રાજ્યની 26 વિધાનસભા બેઠકો માટે તા.7 મે ના રોજ મતદાન યોજાનાર છે. જેને લઇ ભાજપા દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. 12 જામનગર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર પુનમબેન માડમનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન જામનગર લોકસભા બેઠક ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે. તા.2 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જનસભા સંબોધશે. જેમાં જંગી જનમેદની ઉમટી પડશે. વડાપ્રધાનના જામનગર આગમનને લઇ ભાજપાના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. તેમજ શહેરીજનો પણ વડાપ્રધાનની એક ઝલક નિહાળવા તથા વડાપ્રધાનને સાંભળવા આતૂર છે તો બીજી તરફ પોલીસ દ્વારા વડાપ્રધાનની જામનગર મુલાકાતને લઇ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવા માટે તૈયારી હાથ ધરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ ગઈકાલે રાત્રે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ જામનગરની મુલાકાત લીધી હતી અને શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનાર વડાપ્રધાનની જનસભા માટે ત્ સમીક્ષા કરી હતી.તેમજ ભાજપાના હોદ્ેદારો તથા પોલીસ અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા-વિચારણા પણ કરી હતી. આ તકે રાજકોટ રેંજ આઈજી અશોક યાદવ, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જામનગર મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા સહિતના ભાજપાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.