જોડિયા તાલુકાના બેરાજા ગામના વાડી વિસ્તારમાં રહેતી યુવતીને તેણીના ભાઈએ રૂપિયા આપવા ના હોય તો અમારી ઘેર ન આવતી તેમ કહી બોલાચાલી કર્યાનું મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ બનાવની વિગમ મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સરાડી ફળિયુના વતની અને હાલ જોડિયા તાલુકાના બેરાજા ગામની સીમમાં આવેલા સવજીભાઈના ખેતરમાં મજૂરી કામ કરતી ભાવિશાબેન મુકેશભાઈ મેહડા (ઉ.વ.19) નામની પરિણીતા યુવતીના બેંક ખાતામાં શિષ્યવૃત્તિના રૂપિાય જમા થયા હતાં. આ રૂપિયા યુવતીના ભાઈ અરવિંદે પિતાની સારવાર માટે આપવાનું કહ્યું હતું પરંતુ યુવતીએ અમારે રૂપિયાની જરૂરિયાત છે અને લગ્નખર્ચના ઉછીના લીધેલા રૂપિયા પણ ચૂકવવાના બાકી છે તો હું તેમને કેમ આપી શકું. માટે હું તમને રૂપિયા નહીં આપું. તેમ જણાવતા યુવતીના ભાઈ અરવિંદે તેની બહેન ભાવિશાને ‘રૂપિયા ના આપવા હોય તો અમારા ઘેર ના આવતી’ અને ફોનમાં બોલાચાલી કરી હતી. આ બાબતનું મનમાં લાગી આવતા ભાવિશાબેને ગત તા.11 ના બપોરના સમયે ખેતરના પાણીના નિકાલની ગટર પાસે આવેલા લીમડાના ઝાડમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પતિ મુકેશભાઈ દ્વારા જાણ કરાતા ગ્રામ્ય ડીવાયએસપીના નેજા હેઠળ પીઆઈ આર.એસ. રાજપુત તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.