જામનગર શહેરમાં આજરોજ વિજયાદશી પર્વની ઉજવણી કરવામા આવશે સિંધી સમાજ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં શહેરીજનો મોટી સંખ્યામા ઉમટશે.
અસત્ય ઉપર સત્યના વિજયના પર્વ એવા વિજયા દશમીની આજે ઉજવણી કરાય છે. દશેરા ઉત્સવ નિમિતે ફાફડા જલેબી આરોગવાનું ચલણ છે. ત્યારે જામનગર શહેરમાં પણ આજે સવારથી ગાઠિયા-જલેબીની દુકાનોમાં ભીડ જામી હતી. વિજયા દશમી નિમિતે જામનગર શહેરમાં સિંધી સમાજ દ્વારા વર્ષોથી રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરના પ્રદર્શન મેદાનમાં રાત્રે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે જે માટે તડામાર તૈયારી ચાલી રહી છે. લંકાપતિ રાજા રાવણનું 35 ફુટનું પૂતળું તૈયાર કરવામા આવ્યું છે જેમાં મોટી માત્રામાં દારૂ ગોળો ભરવામા આવ્યો છે. તેમજ મેઘનાથ અને કુંભધર્ણના પૂતળા પણ તૈયાર થયા છે જેની પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તૈયારી ચાલી રહી છે.
આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે રાવણ દહન પૂર્વે શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. જે નાનકપુરીથી પ્રારંભ થઇ શહેરના રાજમાર્ગો પર ફરીને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે. જેમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી આદર્શ ભારત માતા ગરબી મંડળમાં દેવી દેવતા સહિતની વેશભુષા ધારણ કરનાર કલાકારો પણ જોડાશે જે આકર્ષણનું કેન્દ્ર બનશે. રાવણ દહનમાં શહેરીજનો હજારોની સંખ્યામાં ઉમટશે.