સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડબ્રેક તેજી સર્જાયા બાદ થોડા દિવસ સ્થિર બન્યા હતા પરંતુ હવે એકાએક ફરી વખત ઉથલો માર્યો હોય એમ અભુતપૂર્વ તેજી નોંધાઇ હતી. ચાંદીનો ભાવ 92,000ની સપાટી કૂદાવી ગયો હતો જયારે સોનુ 76,000ને પાર થઇ ગયું હતું. રાજકોટમાં સોનાનો ભાવ 76500ના સ્તરે પહોંચી ગયો હતો. ગઇકાલે એક જ દિવસમાં 700થી વધુ રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. વિશ્વસ્તરે જબરદસ્ત તેજી થઇ હતી. આંતરરાષ્ટ્રીય ભાવ 2400 ડોલરને વટાવીને 2413 ડોલર સાંપડયો હતો.
રાજકોટમાં હાજર ચાંદી 92500 થઇ હતી. ગઇકાલે બપોરે 89000નો ભાવ હતો. બપોર બાદ એકાએક મોટી તેજી થઇ હતી. એક જ દિવસમાં 4000 રૂપિયાથી વધુનો ભાવ વધારો થયો હતો. વિશ્વબજારમાં ચાંદી 31.77 ડોલર થઇ હતી. કોમોડીટી એકસચેંજમાં સોનાનો ભાવ 73750 તથા ચાંદીનો ભાવ 91150 સાંપડયો હતો. ઝવેરી બજારમાં વેપારીઓના કહેવા પ્રમાણે સોનામાં તો અગાઉ પણ મોટી તેજી જોવા મળી હતી. પરંતુ ચાંદીની આ અભુતપૂર્વ તેજીથી માર્કેટમાં પણ સ્તબ્ધતા છવાઇ ગઇ હતી. (અનુ. પાના નં. 6 ઉપર)