જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા એસએજીવાય હેઠળ જામજોધપુર તાલુકાના સિદસર ગામ પસંદ કરાયેલ છે. આ ગામે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજાઇ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા ગાંધીજીના આદર્શને લક્ષમાં રાખી ગામના સર્વાંગી વિકાસના વ્યાપક દ્રષ્ટિકોણ અનુરુપ સાંસદ પૂનમબેન માડમ 17મી લોકસભા ટર્મ માટે પસંદ થયેલ આદર્શ ગામ તરીકે સિદસર પસંદગી કરાયેલ છે. જેથી આ ગામના માળખાકીય અને સામાજિક વિકાસને સમાન મહત્વ મળી રહે તેવા ઉમદા હેતુસર ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી સામાજિક અને વ્યક્તિગત યોજનાઓનો લાભ મળી રહે તે માટે રિવ્યૂ બેઠક રાખેલ હતી.
આ રિવ્યૂ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા હાલની પ્રર્વતમાન માળખાકીય સુવિધાઓ અને ભવિષ્યની પાયાની માળખાકીય જરુરીયાતો તથા કેન્દ્ર અને રાજ્યની લોકોની સુખાકારી અંગેની કલ્યાણકારી વિવિધ યોજનાઓ ગામના પાત્રતા ધરાવતા દરેક લોકોને લાભ મળી રહે તે માટેના વિગતવાર ગ્રામ વિકાસ યોજના તૈયાર કરવા જણાવ્યું હતું.
સિદસર ગામે ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. આ યાત્રાધામ ખાતે બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય, જેથી ગામે મહત્તમ માળખાકીય સુવિધા મળી રહે તે માટે યોગ્ય આયોજનબધ રીતે ગામે તમામ વ્યવસ્થાઓથી શ્રેષ્ઠ આદર્શ ગ્રામ બનાવવા અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાનના નેતૃત્વમાં લાગુ કરાયેલ આદર્શ ગ્રામ યોજનાના ઉમદા હેતુને સિધ્ધ કરવા સરકારના દરેક વિભાગના સંબંધિત અધિકારીઓ ગામે સર્વે કરી કોઇ પાત્ર વ્યક્તિ-લાભાર્થી લાભોથી વંચિત ના રહે તે માટે ડોર ટુ ડોર સર્વે કરી લાભ અપાવે તેમજ નોડલ અધિકારી દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવે તેવી સૂચના સાંસદ પૂનમબેન માડમએ આપી હતી.
આ રિવ્યૂ બેઠકમાં ગામના સરપંચ ઉષાબેન કિશોરભાઇ અમૃતિયા, પૂર્વ મંત્રી ચિમનભાઇ શાપરીયા, એપીએમસી ડાયરેકટર સી.એમ. વાછાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દેવાભાઇ પરમાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર, જિલ્લા ભાજપા મંત્રી કૌશિકભાઇ રાબડીયા, શહેર ભાજપા પ્રમુખ જયેશભાઇ ભાલોડીયા, પૂર્વસરપંચ ભરતભાઇ માકડીયા ઉપરાંત ચાર્જ ઓફિસર પ્રાંત અધિકારી, ડીવાયએસપી અને સંબંધિત ખાતા કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.