જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી લોકમેળાનો ગઈકાલે મેયરના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. અનેક અટકળો અને લોકોની આતુરતા બાદ ગઈકાલથી શ્રાવણી મેળો શરૂ થતા આજથી શહેરીજનો લોકમેળાનો આનંદ ઉઠાવી શકશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણ લોકમેળાનું આયોજન કરાયું છે. આ લોકમેળો તા.20 થી શરૂ થવાનો હતો. પરંતુ, પરફોર્મન્સ લાયસન્સ તેમજ મંજૂરીની પ્રક્રિયાઓના અભાવે લાયસન્સ મળ્યા ન હતાં. જેના પરિણામે મેળો શરૂ થઈ શકયો ન હતો. ત્યારબાદ ગઈકાલે નાગપંચમીના દિવસથી લોકમેળાને ખૂલ્લો મૂકવામાં આવતા મનભરીને લોકમેળાનો આનંદ ઉઠાવી શકશે. વિવિધ ચગડોળ, ટોળાટોળા સહિતની નાની મોટી રાઈડ, ખાણીપીણી સ્ટોલ, રમકડા અને અન્ય ચીજવસ્તુઓના સ્ટોલ મેળામાં લાગ્યા છે. તેમજ લોકમેળા દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગનો સ્ટાફ, પોલીસ બંદોબસ્ત, સીસીટીવ કેમેરા, જામ્યુકોના સિકયોરિટી સ્ટાફ સહિતની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, કમિશનર ડી.એન. મોદી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, દંડક કેતનભાઈ નાખવા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા, કોર્પોરેટરો અરવિંદભાઈ સભાયા, બીનાબેન કોઠારી, તપનભાઈ પરમાર, આશિષભાઈ જોશી, જયેન્દ્રસિંહ ઝાલા, પાર્થ જેઠવા, શહેર ભાજપા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ ભાવેશભાઈ જાની, મુકેશભાઈ વરણવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ખુલ્લો મૂકયો હતો. તેમજ મહાનુભાવોએ પણ વિવિધ રાઇડની મજા માણી હતી.
આવતીકાલથી રજા અને જન્માષ્ટમીને લઇ લોકમેળામાં જંગી જનમેદની ઉમટી પડશે ત્યારે લોકમેળો લૂંટમેળો ન બની રહે તેમ શહેરીજનો ઈચ્છી રહયા છે.