પ્રકાશ પર્વ દિવાળી હવે બારણે ટકોર કરી રહી છે. શાળાઓમાં પણ દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે ત્યારે લોકો આખા વર્ષનો સૌથી પ્રિય અને મોટો તહેવાર એવા દિવાળીની ખરીદીમાં મગ્ન બન્યા છે. બાળકોમાં નવા વર્ષના કપડા ખરીદવાનો ઉત્સાહ તો યુવાનોમાં ફેન્સી ફટાકડા ખરીદવાનો ઉત્સાહ, તો વળી બહેન ઘર સજાવટની ચીજો ખરીદવામાં મશગુલ બન્યા છે. ત્યારે જામનગરની બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે.
જામનગર શહેર જ નહીં પરંતુ જીલ્લામાં પ્રખ્યાત એવી જામનગરની દરબારગઢ માર્કેટમાં દિવાળીને લઇને બરાબર ભીડ જામી છે. નાનાથી નાની વસ્તુઓ લઈને લોકોને તમામ વસ્તુઓ દરબારગઢ ખાતે મળી રહેતાં લોકો દૂર દુરથી અહીં ખરીદી માટે આવી રહ્યા છે. દિવાળીની રંગોળીના કલર, દિવડા, પગલાં, સાથીયા, છાપણી, તોરણ, ટોડલીયા, ફટાકડા, સીરીજ, લાઈટના ફેન્સી ગોળા, ઘર સજાવટની તમામ ચીજો, નાના મોટા દરેકની સાઝના ના કપડા, પર્સ, કટલેરી, ફ્રીઝ કવર, ટેબલ કલોચ વગેરે જેવી અનેક આઈટમો દરબારગઢ માર્કેટમાં મળી રહે છે તેથી બહેનો ચીજવસ્તુની ખરીદીનું લીસ્ટ બનાવીને માર્કેટમાં પહોંચી જાય છે. અને ઉત્સાહપૂર્વક વ્યાજબી ભાવમાં તમામ વસ્તુઓ ખરીદે છે.
એક સાથે ઉમટી પડતા લોકોના પ્રવાહને કારણે બજારમાં પાર્કિંગની સમસ્યાઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો હોય છે. પરંતુ ટ્રાફિક પોલીસની ટીમ પણ સતત ખડેપગે રહીને પોતાની કામગીરી કરતી નજરે પડે છે. આડેધડ પાર્ક કરેલી વાહનોની ડીટેઈન કરવા તેમજ ટ્રાફિક સમસ્યા ન સર્જા્ય તે માટે સતત વ્યવસ્થા જાળવતા ટ્રાફિક પોલીસની ટીમો નજરે ચડે છે. તો વળી કયાંય કઇંક અજુગતું કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલા દ્વારા માર્કેટમાં સતત પેટ્રોલિંગ પણ ચાલુ છે.
વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે મોંઘવારી 20 થી 30% જેટલી દેખાઈ છે. છતાંપણ જીવન જરૂરિયાતની જે ચીજો પર લોકોનો પ્રવાહ અવિરત આવી રહ્યો છે. બાર મહિનાના આ મોટા પર્વ પર લોકો મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. ત્યારે આવા શાંતિપૂર્ણ વાતાવરણમાં દિવાળીનો પર્વ ઉજવાય અને આવનારું નવું વર્ષ દરેક ધંધા રોજગાર માટે ફળીભુત નીવડે તેવી સૌએ આશા વ્યકત કરી છે.