જામનગરના હવાઇચોક, ખંભાળિયા ગેઇટ સહિતના વિસ્તારોમાં વેપારીઓને પોલીસ દ્વારા કનડગત કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગઇકાલે સવારના સમયે આ વિસ્તારના દુકાનદારો બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો. જામનગરના હવાઇચોક વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી પોલીસ વિભાગ દ્વારા રાત્રીના 11 વાગ્યે દુકાનો બંધ કરાવી દેવામાં આવતી હોય, પોલીસ વિભાગ દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાનું આ વિસ્તારના દુકાનદારોએ રોષ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારને ટાર્ગેટ બનાવી દરરોજ રાત્રે 11 વાગ્યામાં પોલીસ દ્વારા દુકાનો બંધ કરાવી દુકાનદારોને પરેશાન કરતા હોવાનું દુકાનદારોએ જણાવી ગઇકાલે સવારે આ વિસ્તારના દુકાનધારકોએ સ્વૈચ્છિક બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો અને જો આગામી દિવસોમાં આ સમસ્યાનો કોઇ ઉકેલ નહીં આવે તો આંદોલન કરી વધુ બંધ પાડવાની ચિમકી ઉચ્ચારી હતી. પોલીસના ત્રાસથી પરેશાન હવાઇચોક, ખંભાળિયા ગેઇટ વિસ્તારના રહેવાસીઓએ પોલીસની કામગીરીના વિરોધમાં દુકાનો બંધ કરી વિરોધ નોંધાવતાં જણાવ્યું હતું કે, કોરોનાના કારણે વ્યાપાર-ધંધા ઉપર માઠી અસર પહોંચી હોય, આ અંગે યોગ્ય નિર્ણય લેવા માંગણી કરાઇ છે.