ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા ચેતન ધનજીભાઈ વારસાકીયા નામના શખ્સ દ્વારા એક પરિણીત મહિલાને તેણીના પતિ તથા બાળકોને મારી નાખવાની ધમકી આપી, ગત તા. 25 ઓગસ્ટ 2017 ના રોજ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવા અંગેની ધોરણસર ફરિયાદ તારીખ 8 સપ્ટેમ્બર 2017 ના રોજ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
આ પ્રકરણમાં પોલીસે દુષ્કર્મની કલમ 376 મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરીને અહીંની કોર્ટમાં ચાર્જ સીટ રજૂ કર્યું હતું. આ પ્રકરણમાં સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા અદાલત સમક્ષ ભોગ બનનાર તથા મેડિકલ ઓફિસરની જુબાની અને અન્ય પુરાવાઓ સાથે ધારદાર દલીલો કરતા નામદાર અદાલતે આરોપી ચેતન ધનજીભાઈ વારસાકીયાને તકસીરવાન ઠેરવી, સાત વર્ષની સખત કેદ તથા રૂા.10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ પ્રકરણમાં અદાલતે ભોગ બનનાર મહિલાને વિટનેસ કમ્પેન્શન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે.