ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા પ્રભાતસિંહ કાથડજી રાઠોડ નામના યુવાને દ્વારકા પંથકની નયનાબા નામની એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ બાબતનો ખાર રાખી ગત તા. 4-10-2013 ના રોજ દ્વારકા તાલુકાના રહીશ શ્યામભા કણભા માણેક, નંઢાભા ભોજાભા માણેક, પુનાભા અબાભા સુંભણીયા અને ઈમરાન હનીફ ઓંધીયા સાથે આવેલા કાયદાથી સંઘર્ષિત એક કિશોર મળી કુલ પાંચ વ્યક્તિઓએ એકસંપ કરીને નયનાબાને ફોન કરીને જણાવેલ કે “તમારા ભાઈનો અકસ્માત થયો છે તમે ખંભાળિયાના સરકારી દવાખાને જલ્દી આવો” જેથી નયનાબા તથા તેમના પતિ પ્રભાતસિંહ રાઠોડજી નાના આંબલા ગામેથી ખંભાળિયા આવવા માટે નીકળ્યા હતા.
રસ્તામાં થોડે દૂર કજૂરડા ગામના પાટીયા પાસે ઉપરોક્ત તમામ આરોપીઓએ એક છોટા હાથી વાહનમાં હથિયારો સાથે જઈ અને પ્રભાતસિંહને ઈજાઓ કરી તેમનો મોબાઈલ ફોન તથા રોકડ રકમ લૂંટી લીધી હતી. જ્યારે નયનાબાનું અપહરણ કરી, તેમના મોબાઈલ લૂંટી અને પોતાની સાથે લઈ ગયા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે પ્રભાતસિંહ દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં ઉપરોક્ત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગેનો કેસ ખંભાળિયાના પ્રિન્સિપલ સેશન્સ જજ સાહેબની અદાલતમાં ચાલી જતા અહીંના સરકારી વકીલ કમલેશભાઈ દવે દ્વારા રજુ કરવામાં આવેલા આધાર-પુરાવાઓ તથા દલીલોને ગ્રાહ્ય રાખી, અદાલતે ચારેય આરોપીઓને સાત વર્ષની કેદ તેમજ દરેકને રૂપિયા 5,100 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.