શહેરના નેશનલ પાર્ક વિસ્તારમાં ચાલીને જતા બે મહિલાઓએ બાઈકનું હોર્ન વગાડવાની ના પાડતા સાત શખ્સોએ સમાધાન કરવા આવેલા યુવાન અને મહિલા સહિતના વ્યકિતઓ સાથે બોલાચાલી કરી છરી, લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે સાત શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુજરાતીવાડ ધનભાઈની મસ્જિદ પાસે રહેતા સુમીરાબેન અને તેમના જેઠાણી નઝમુનનીશા બન્ને નેશનલ પાર્ક આયશા મસ્જિદ પાસે તેમના સંબંધીને ત્યાંથી ચાલીને આવતા હતા ત્યારે મુસ્કાન અને હસીના બાઈક પર આવી હોર્ન વગાડતા હતાં જેથી ચાલીને જતા મહિલાઓએ હોર્ન વગાડવાની ના પાડતા બોલાચાલી અને મારામારી કરી હતી. જેથી મહિલાઓને માર મારતા તેમનો ભાણેજ મોહીન જાકીર અગવાન નામનો યુવાન માર મારનાર મુસ્કાન અને હસીના સાથે સમાધાન કરવા નેશનલ પાર્ક ગયો હતો તે દરમિયાન મુસ્કાન, હસીના, આઝાદ સુમરા, સીરાજ ઉર્ફે ટોપી, સદામ સુમરા, સલીમ સુમરા, અબ્દુલ સુમરા સહિતના સાત શખ્સોએ એક સંપ કરીને મોહીન ઉપર લાકડાના ધોકા અને છરી વડે તથા મોહીનના મામા સોયબભાઈ તેમજ મોસીન ચૌહાણ અને મુખત્લી શેખ સહિતના ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત મોહીન અગવનના નિવેદનના આધારે સાત શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.