હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે જામનગર તાલુકાનાં ધુતારપર ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોવિડ હોસ્પિટલ ઉભી કરીને ગ્રામજનોનાં સાથ-સહકારથી દર્દીઓ તથા તેમના સગા-વ્હાલા માટે વ્યવસ્થા ગોઠવીને અન્ય સરકારી તથા ખાનગી હોસ્પિટલને દર્દીઓની કેવી રીતે સેવા કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડયું છે.
ધુતારપર સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નજીકમાં જ આવેલી વિશાળ તાલુકા શાળામાં કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જેમાં 15 બેડ દાખલ થવા માટે અને 15 બેડ સાથે થયેલા દર્દીઓને દેખરેખ ઉપર રાખવા માટે ગોઠવવામાં આવી છે. કેન્દ્રના અધિક્ષક ડો. જે.એચ. વ્યાસના આગેવાની નીચે તમામ સ્ટાફ દર્દીઓની 24 કલાક દેખરેખર રાખી રહ્યાં છે. જેમાં ફિજિયોથેરાપી, નેચરોપેથી સહીતની સુવિધા આપી રહ્યાં છે. કુલ 18 વ્યક્તિનો સ્ટાફ દર્દીઓને પુરી સેવા પાડી રહ્યાં છે.
આ કામગીરીને ટેકો આપવા માટે ધુતારપુર-ધુડશીયાના 60 જેટલા વ્યક્તિઓની ટીમ બનાવીને આબેહુબ કામગીરી કરી રહ્યાં છે. એક ટીમ ઓક્સિજનના બાટલા ભરવવાનું કામ કરે છે. એક ટીમ દર્દીઓની દવાની વ્યવસ્થાનું કામ કરે છે. એક ટીમ દર્દીઓને તથા તેમના સગાઓને જમવા-ચા પાણી- નાસ્તાની વ્યવસ્થા વિનામૂલ્યે પુરી પાડે છે. ભાઇઓ-બહેનોની ટીમ દ્વારા દરરોજ શુધ્ધ અને સાત્વીક ભોજન બનાવીને જમાડવામાં આવે છે. સાથો-સાથ નારંગી જ્યૂસ, નાળિયેર પાણી અને પપૈયા પણ પીરસવામાં આવે છે. એક ટીમ બધુ મેનેજમેન્ટ પણ સંભાળી રહ્યાં છે. ધુડશીયા પ્રણામી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બે એમ્બ્યુલન્સ સેવા માટે ખડેપગે રહે છે. જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ હસમુખભાઇ ફાચરા, હાર્દિકભાઇ કાછટીયા, પરેશભાઇ ભંડેરી, જેન્તીભાઇની ટીમ વગેરે કામ કરી રહી છે. આ કોરોનાની બીજી લહેરમાં 125 દર્દીઓમાંથી 96 દર્દીઓને સાજા કરીને પરત ઘરે મોકલી આપવામાં આવ્યા છે. હેલ્પલાઇન માટેના નામ હસમુખભાઇ મો. નં. 99258 70566, હાર્દિકભાઇ કાછડીયા મો. 98252 61050 ઉપર સંપર્ક કરવો.