રાજયની વડી અદાલતે ત્રણ દિવસ પહેલાં જણાવ્યું હતું કે, રાજયમાં કોરોના સંદર્ભે રાજયની પ્રજા ભગવાન ભરોસે છે. જામનગર સહિત સમગ્ર રાજયમાં હાઇકોર્ટનું આ ચિંતાજનક અવલોકન ખરું હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.
જામનગરની કોરોના હોસ્પિટલમાં જગ્યા નથી, તમામ બેડ ફૂલ છે, પાંચ દિવસનું વેઇટીંગ છે. એ પ્રકારના રિપોર્ટ વચ્ચે ગઇકાલે ગુરૂવારે જામનગરની ખાનગી હોસ્પિટલોમાં કયાં કેટલી પથારીઓ ખાલી છે? તેની યાદી સતાવાર રીતે જાહેર કરવામાં આવી હતી.
આજે સવારે ‘ખબર ગુજરાત’ દ્વારા જામનગરની કોરોના હોસ્પિટલમાં કોરોના દર્દીઓનું વાસ્તવિક વેઇટીંગ કેટલું છે? તેનો સતાવાર આંકડો મેળવવા માટે જવાબદાર તબીબો અને અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારે 11:17 વાગ્યે જામનગરની જી.જી.હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.દિપક તિવારીને (ફોન નં.94269 23307) ફોન કરવામાં આવ્યો હતો. તેઓનો ફોન રિસિવ થયો ન હતો. સવારે 11:18 મિનિટે કોરોનાના નોડલ અધિકારી ડો.એસ.એસ.ચેટરજીને(ફોન નં.79906 16890) ફોન કરવામાં આવ્યો હતો. તેઓનો ફોન રિસિવ થયો નથી. 11:19 મિનિટે નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા( ફોન નં. 99784 05210)ને ફોન કરવામાં આવ્યો હતો. તેઓનો ફોન રિસિવ થયો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ અને અમદાવાદ સહિત તમામ શહેરોમાં કોરોના હોસ્પિટલોમાં કેટલા દર્દીઓનું વેઇટીંગ છે? તેના આંકડાઓ દરરોજ સવારે અપડેટ અને જાહેર થાય છે. જામનગરમાં આ પ્રકારની વ્યવસ્થા હજૂ સુધી શા માટે કરવામાં આવી નથી ? તે પ્રશ્ન જરૂરી છે.
આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે 11:31 મિનિટે ડો.દિપક તિવારીએ ‘ખબર ગુજરાત’ નો સંપર્ક કર્યો હતો. ‘ખબર ગુજરાત’ દ્વારા તેઓને વેઇટીંગ લિસ્ટ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, આ આંકડાઓ હાલ જાણી શકાય નહીં. ત્યારબાદ ‘ખબર ગુજરાત’ દ્વારા ચાલુ ફોનમાં તેઓને જણાવવામાં આવ્યું કે, અન્ય શહેરોમાં વેઇટીંગના આંકડા અપડેટ અને જાહેર થાય છે, જામનગરમાં શા માટે નહીં? જવાબમાં ડો.તિવારીએ જણાવ્યું કે, આપણે યાદી બનાવીએ છીએ પરંતુ જાહેર કરતા નથી. આ અંગે ‘ખબર ગુજરાત’ દ્વારા આ આંકડાઓ અન્ય શહેરોની માફક જાહેર થવા જોઇએ એવો આગ્રહ જણાવતાં ડો. તિવારીએ પ્રત્યુતરમાં કહ્યું હતું કે, આપની વાત ખરી છે આ અંગે કલેકટર સાથેની બેઠકમાં જરૂરી ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.