જામનગર જિલ્લાના કાલાવડ–જામનગર હાઈવે પર આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખંઢેરા ગામ નજીક કારા છિપારા હનુમાન મંદિર પાસે આવેલી ગોળાઈ ખાતે જૂનાગઢ–જામનગર રૂટની એસ.ટી. બસ અચાનક પલટી મારી જતા ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર અનેક મુસાફરોને ઇજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે.
બનાવની જાણ થતાં જ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.આઈ. પનારા સાહેબ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી હતી.
View this post on Instagram
અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને 108 એમ્બ્યુલન્સ મારફતે કાલાવડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે જામનગર સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક રીતે માર્ગ પરની ગોળાઈ અને વાહનની ગતિ અકસ્માતનું કારણ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને કારણે હાઈવે પર થોડો સમય ટ્રાફિક ખોરવાયો હતો, જેને બાદમાં પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો.


