જામનગર જિલ્લાના ધ્રોલ ગામ નજીક આવેલી સરમરિયા દાદાની જગ્યા પાસેના માર્ગ પર સવારના સમયે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થવાથી 17 જેટલા વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
View this post on Instagram
અકસ્માતના બનાવની વિગત મુજબ ધ્રોલ નજીક આવેલી સરમરિયા દાદાની જગ્યા પાસેના માર્ગ પર આજે સવારે જીજે03-બીડબલ્યુ-2382 નંબરની ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બસ રોડ પરથી ઉતરીને પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરતાં 15 થી 17 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણના આધારે 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ધ્રોલ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણના આધારે ધ્રોલ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. ટ્રાફિક જામ ન થાય તેની તકેદારી લેવામાં આવી હતી.


