લોકસભાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ચૂકયા છે. ભાજપા દ્વારા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવાની સેન્સ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. ગઇકાલે ભાજપાના 3 અગ્રણીઓ જામનગર આવી પહોંચ્યા હતાં. જેમણે જામનગર શહેર જિલ્લાના હોદ્ેદારો, કાર્યકરોને સાંભળ્યા હતાં. ઉલ્લેખનિય છે કે, સાંસદ પૂનમબેન માડમ છેલ્લી બે ટર્મથી જામનગર લોકસભા બેઠકમાં ભાજપાનું નેતૃત્વ કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાલાર પ્રવાસ પૂર્ણ થતાંની સાથે જ જામનગરમાં લોકસભાના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા શરુ થઇ હતી. જામનગર સહિત સૌરાષ્ટ્રની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી માટે તૈયારી શરુ કરી દેવામાં આવી છે. જામનગર સહિત સૌરાષ્ટ્રની બેઠકો માટે ગઇકાલે ભાજપાના ઉમેદવારો નક્કહી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
અચાનક મોડીરાત્રે સેન્સ પ્રક્રિયા માટે મેસેજ આવ્યા બાદ જામનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા માટે તૈયારી શરુ કરી દેવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય રિટાબેન પટેલ, પૂર્વ સાંસદ હરિભાઇ પટેલ તથા રણછોડભાઇ દેસાઇ સહિતના નિરિક્ષકોની ટીમ ગઇકાલે જામનગર આવી પહોંચી હતી અને જિલ્લા ભાજપ કાર્યાલયે સેન્સ પ્રક્રિયાની કાર્યવાહી શરી કરી હતી. ઉલ્લેખનિય છે કે, 2014થી કેન્દ્રમાં ભાજપાની સરકાર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારમાં છેલ્લી બે ટર્મથી 12-જામનગર લોકસભાના સાંસદ તરીકે પૂનમબેન માડમ ભાજપાનું બખૂબી રીતે પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.
જામનગર લોકસભા બેઠક માટે ભાજપા દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા રાજકીય માહોલ ગરમાયો હતો. જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ખાતેથી આવેલા નિરિક્ષકો દ્વારા ગઇકાલે બપોરે 3થી રાત્રે 9 વાગ્યા સુધી સેન્સ લેવામાં આવી હતી. જેમાં બંને જિલ્લાની જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકા, મહાનગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ, જિલ્લા-શહેર સંગઠનના મોરચાના પ્રમુખો સહિતના હોદ્ેદારો અપેક્ષીત હતાં.
આ સેન્સ પ્રક્રિયા દરમિયાન જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયૂરભાઇ ગઢવી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રીઓ પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંમભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વસંતભાઇ ગોરી સહિતના અગ્રણીઓ તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રદેશમાંથી આવેલ ત્રણેય નિરિક્ષકોએ હાલારના હોદ્ેદારો તેમજ ચૂંટણી લડવા ઇચ્છતા મુરતિયાઓને સાંભળ્યા હતાં. ત્યારબાદ નિરિક્ષકો યાદી તૈયાર કરી મોકલશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મળનારી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારો અંગે ચર્ચા થશે. આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થનારા પેનલના નામો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરશે. જ્યાં ચર્ચા-વિચારણાને અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મળનારી ભાજપાની કેન્દ્રીય ચૂંટણી કમિટીમાં ગુજરાતમાં લોકસભાની બેઠકોમાં ભાજપાના ઉમેદવારોના નામની આખરી મહોર લાગશે. બે ટર્મથી સાંસદ રહેલા પૂનમબેન માડમ રિપીટ થશે કે, નો-રિપિટ થિયરી લાગુ કરવામાં આવશે ? તેમ કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે.