દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે તાજેતરમાં ગાંધીજયંતી નિમિત્તે રાજ્યના ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશનના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે જિલ્લાના પોલીસ અધિકારીઓ તથા તમામ સરકારી વકીલો વચ્ચે ક્રિમિનલ કેસો અસરકારક રીતે ચલાવવા અંગેના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા તથા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.જે. પરમાર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી અને જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ આર. ચાવડા દ્વારા તેમના વક્તવ્યમાં સાયબર ક્રાઈમને લાગતા વધી રહેલા પડકારરૂપ ગુનાઓની અસરકારક તપાસ થાય અને કોર્ટમાં ચાલતા કેસો પણ અસરકારક રીતે ચલાવવા તથા ગુનેગારોને વધુમાં વધુ સજા થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં એ.પી.પી. સુમિત્રાબેન વસાવાએ સાયબર ક્રાઇમના ગુનાઓની સધન તપાસ સંદર્ભે તેમજ કાયદા અંગેની ઉપયોગી માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અહીંના ડીવાયએસપી નીલમબેન ગોસ્વામી તથા મદદનીશ સરકારી વકીલ કમલેશભાઈ દવેના વડપણ હેઠળના આયોજન બદલ ઉપસ્થિત રહેલા અધિકારીઓ તથા સરકારી વકીલોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.