છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ પર અત્યાચારની ઘટના ખુબ જ વધી ગઈ છે, ખાસ કરીને મહિલાઓ પર શારીરિક અત્યાચાર વધી રહ્યા છે, હાલમાં જ સુરતમાં બનેલી ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે ફરી એકવાર મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા હતા. એવામાં મુશ્કેલ સમયમાં મહિલાઓ પણ પોતાનું રક્ષણ કરી શકે તે માટે વિવિધ સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી રહી છે. જામનગરમાં મહિલા આઈટીઆઈ ખાતે ખાસ મહિલાઓ માટે તાલીમ આપવામાં આવી રહી છે.
જામનગરમાં ITI ખાતે આપવામાં આવી રહેલી આ તાલીમમાં શારીરિક સાથે માનસિક બંને પ્રકારની તાલીમ આપવામાં આવે છે. તાલીમમાં યુવતી પોતાની પાસે રહેલી શુશોભનની વસ્તુઓના ઉપયોગથી પણ આત્મરક્ષણ કરી શકે છે જેમ કે માથાની પિન, દુપટ્ટો, પર્સનો ઉપયોગ કરી શકે છે. આ સામાન્ય લાગતી વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરવો તે માટેની ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. આ વિવિધ વસ્તુના ઉપયોગથી યુવતી ગંભીર પરિસ્થિતિમાં મૂકાય તો પોતાનો બચાવ કોઈની પણ મદદ લીધા વગર લારી શકે છે. જામનગર મહિલા ITI માં આ તાલીમ પ્રેક્ષા ભટ્ટ આપી રહ્યા છે.
મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી રહેલા પ્રેક્ષા ભટ્ટનું કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિએ ગળા પર ચપ્પુ રાખ્યું હોય ત્યારે સૌપ્રથમ જરાય પણ ડર્યા વગર માનસિક રીતે મજબૂત બનવું, ત્યારબાદ પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરવો. આવી સ્થિતિમાં તમારા બંને હાથ ખુલ્લા જ હોઈ છે ત્યારે બંને હાથ બને તેટલી ઝડપે જે તે વ્યક્તિએ જ્યાંથી ચપ્પુ પકડ્યુ હોય ત્યાં લઈ જવા અને બંને હાથથી તેને ધક્કો મારી ક્રોસમાંથી નીકળી જવું.
ત્યારબાદ જે તે વ્યક્તિએ જે હાથે ચપ્પુ પકડ્યુ હોય તે હાથે તમારે થોડુક નીચેની તરફ ઝૂકી ધક્કો મારવો અને એક પગને પાછળ તરફ ધક્કો અને બીજા હાથથી તને કમરેથી ધક્કો મારી નીચે પછાડી દેવાનો. એવું કરવાથી તમને થોડી હિમ્મત મળશે અને તમારા પર હુમલો કરનાર થોડો સમય ગભરાઈ જશે.
સેલ્ફ ડિફેન્સ ટ્રેનર પ્રેક્ષા ભટ્ટનું કહેવું છે કે જામનગર અને દ્વારકામાં તેઓ છેલ્લા ઘણાં સમયથી આ પ્રકારે મહિલાઓને આત્મરક્ષા માટેની તાલીમ આપી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે વર્ષે અંદાજે 4000 બહેનોને આત્મરક્ષણ માટેની તાલીમ આપુ છું, જેમાં હાથથી છોડાવવાની, બેકલોક ઓપન કરવાની, ગંભીર પરિસ્થિતિમાં તમારી આસપાસ પડેલી વસ્તુઓ અથવા દુપટ્ટો અને માથાની પીન કે જે સામાન્ય બહેનો પાસે જોવા મળે જ છે તેનાથી તે પોતાનો બચાવ કઈ રીતે કરી શકે અને ત્યાંથી નાસી છૂટવાની ટ્રેનિંગ આપું છું.