કાશી વિશ્ર્વનાથ મંદિર માટે એક શિવભક્તે 120 કિલો સોનાનું ગુપ્તદાન કર્યું છે. આ ભક્ત દક્ષિણ ભારતનો રહેવાસી છે. ગર્ભગૃહની અંદર સુવર્ણ પતરાં લગાડવામાં આવ્યાં છે. હવે બહારની દીવાલ પર પણ લગાડવામાં આવશે, એટલે બાબાનું મંદિર સુવર્ણથી મઢાયેલું હશે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કાશીવિશ્વનાથમાં પૂજા કરી તો પહેલી વખત ગર્ભગૃહ સુવર્ણ જડિત હોવાની તસવીર સામે આવી. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીએ સુવર્ણજડિત ગર્ભગૃહમાં પહેલી વખત જલાભિષેક કર્યો. તેઓ પોતે પણ દીવાલ અને સીલિંગને જોઈને આશ્ર્ચર્યચકિત થઈ ગયા. મંદિર સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું. કે બાબાને ભક્તે લગભગ એક મહિના પહેલાં ગુપ્ત દાન આપ્યું હતું. જોકે ભક્તનું નામ શું છે એ અંગે કોઈ જાણકારી સામે નથી આવી. 10 દિવસ પહેલાં ગર્ભગૃહને સુવર્ણજડિત કરવાનું કામ શરૂ કરાયું હતું. હવે ગર્ભગૃહમાં સોનાનાં પતરાં ચઢાવવાનું કામ શરૂ થઈ ગયું છે. મહાશિવરાત્રિના રોજ ભક્તોને હવે સોનાનાં પતરાં જોવા મળશે. એ અંતર્ગત બાબા વિશ્વનાથના મંદિરની આભા અને ચમક જોવા જેવી છે. મંદિરની આંતરિક સુરક્ષા CRPF ને સોંપાઈ છે. બાહ્ય સુરક્ષા માટે યુપી પોલીસ અને PACના જવાન ડ્યૂટી પર 24 કલાક હોય છે. તેમની ડ્યૂટી શિફ્ટમાં હોય છે. અનેક જગ્યાએ CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. કોઈપણ ભક્ત સોનાનાં પતરાંને નુકસાન ન પહોંચાડી શકે. ભક્તોને ગર્ભગૃહમાં લાગેલા સ્ટીલનાં બેરિકેડિંગથી બહાર કરવામાં આવે છે. શ્રાવણ અને મહાશિવરાત્રિ જેવાં મોટાં તહેવારોમાં ભક્તોની ભારે ભીડને કારણે ગર્ભગૃહમાં પ્રવેશવા નથી દેવામાં આવતા. દર્શન અને ત્યાંથી જળાભિષેક કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.