એક સમયે પુરુષ પ્રધાન સમાજ હતો ત્યારે સ્ત્રીઓને મજબૂત બનાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા, પરંતુ અમુક કારણોસર અમુક કાયદાઓ અને સુવિધાઓ માત્ર મહિલાઓ માટે હોય અને પુરુષોને તેનાથી હેરાનગતિ થાય તો થોડા વિચારની જરૂર છે. આવો વિચાર કરવો પડે તેવી એક ઘટના કર્ણાટકમાં બની છે. કર્ણાટકના મૈસૂરની સિટી બસમાં પુરુષોને આરક્ષિત બેઠકો આપવામાં આવે તેવો આદેશ પાસ થયો છે. અહીં મહિલાઓને બસની મુસાફરી મફત કરવામાં આવતા મોટી સંખ્યામાં મહિલાઓ બસમાં મુસાફરી કરે છે. તેથી પુરુષો માટે બેસવાની જગ્યા જ રહેતી નથી. મહિલાઓની સિટ પર પુરુષો બેઠા હોય તો તેને ઉઠાડવામાં આવે છે અને અમુક શહેરોમાં દંડ પણ છે, જ્યારે પુરુષોની બેઠકો પર પણ મહિલાઓ બેસે છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. જોકે મહિલાઓની આરક્ષિત બેઠકો ઘણી જ ઓછી હોય છે. મૈસુર ડિવિઝનલ કંટ્રોલરે તાજેતરમાં ડ્રાઇવરો અને કર્મચારીઓને આ બાબત પર ધ્યાન આપવાનો આદેશ જારી કર્યો છે.