Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયામાં નગરપાલિકાના બાકીદારોની મિલકતો સીલ

ખંભાળિયામાં નગરપાલિકાના બાકીદારોની મિલકતો સીલ

પાલિકાના અલ્ટીમેટમને અવગણતા નગરજનો સામે આકરી કાર્યવાહી

- Advertisement -

ખંભાળિયા શહેરમાં અનેક આસામીઓ પાલિકાને કરવેરા ચૂકવવા માટે બેજવાબદાર તથા નિષ્ફિકર બની રહેતા છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા તંત્ર દ્વારા અનેક આસામીઓ સામે આખરી નોટીસો ઈસ્યુ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જરૂર પડ્યે મિલકત સીલ કરવા અંગેની કડક કાર્યવાહી કરવા અંગે પણ આવા બાકીદારોને આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યા છે.

આ પછી પણ ખંભાળિયા શહેરના અનેક લોકો નગરપાલિકાને ચૂકવવાના થતા વોટર ટેક્સ તથા હાઉસ ટેક્સ જેવા વેરાની ચૂકવણી ન કરતા આખરે નગરપાલિકા તંત્રએ લાલ આંખ કરી છે. ગત તા. 31 માર્ચ સુધી ભરવાના થતા વેરા અંગે તારીખ 30 જૂન તથા 30 સપ્ટેમ્બર સુધીની બે વખત મુદત વધારી આપવામાં આવી હતી. એટલું જ નહીં સમયસર વેરો ભરનારને દસ ટકા રીબેટનો લાભ પણ આપવામાં આવતો હોવા છતાં પણ શહેરના અનેક આસામીઓએ તેઓને ભરવાની થતી રકમ ભરપાઈ કરી ન હતી. જેના અનુસંધાને નગર પાલિકાના ચીફ ઓફિસર એ.એચ. સિન્હા દ્વારા આખરી નોટિસો ફટકારાતા બાદ ડોર ટુ ડોર ટીમ દ્વારા આવા બાકીદારોને તેઓની ચુકવવાની થતી રકમ અંગેની જાણકારી આપી અને ઘરબેઠા રકમ ભરપાઈ થાય તે અંગેની સુવિધાઓ પણ આપવામાં આવી હતી. તેમ છતાં પણ અનેક લોકોએ ટેકસ ન ભરતા નગરપાલિકાએ આકરા પગલાના ભાગ રૂપે આવા આસામીઓની મિલકત જપ્ત કરવા સીલ મારવા અંગેની કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત ખંભાળિયામાં ભગવતી મીલ કમ્પાઉન્ડ ખાતે બે દુકાનોને સીલ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક બાકીદારોના લાખો રૂપિયાનો ટેક્સ વસૂલવાનો બાકી છે. જેથી નગરપાલિકા દ્વારા આખરે મિલકત સીલ કરવા અંગેની કરવામાં આવેલી કાર્યવાહીના પગલે આવા બાકીદાર આસામીઓમાં ફફડાટની લાગણી પ્રસરી છે. પાલિકા દ્વારા આગામી સમયમાં પણ આ ઝુંબેશ યથાવત ચાલુ રહેશે તેમ પણ વધુમાં જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular