Thursday, January 8, 2026
Homeરાજ્યજામનગરવડાપ્રધાનના આગમન પૂર્વે ગુજરાતના 14 જિલ્લામાં સાગર સુરક્ષા કવચ કવાયત - VIDEO

વડાપ્રધાનના આગમન પૂર્વે ગુજરાતના 14 જિલ્લામાં સાગર સુરક્ષા કવચ કવાયત – VIDEO

વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા : કચ્છથી વલસાડ સુધીના 14 જિલ્લાના દરિયાકિનારે સુરક્ષા કવાયત : બે દિવસ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત કામગીરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખી રાજ્યના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને ચોક્કસ બનાવવા માટે કચ્છથી વલસાડ સુધીના 14 દરિયાકાંઠા જિલ્લાઓમાં ‘ઓપરેશન સાગર સુરક્ષા કવચ’ અંતર્ગત બે દિવસીય વિશાળ સંયુક્ત સુરક્ષા કવાયત શરૂ કરવામાં આવી છે. તારીખ 6 અને 7 જાન્યુઆરી દરમિયાન યોજાતી આ કવાયતમાં દરિયાઈ સુરક્ષા સાથે સંકળાયેલી તમામ એજન્સીઓ એકસાથે જોડાઈ છે.

- Advertisement -

ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો દેશની દૃષ્ટિએ અતિ મહત્વનો અને સંવેદનશીલ ગણાય છે. પાકિસ્તાનની નજીકતા, આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો અને વેપારિક બંદરોને કારણે દરિયાઈ માર્ગે આતંકવાદી ઘુસણખોરી, દાણચોરી કે દેશવિરોધી પ્રવૃત્તિઓની શક્યતાઓ હંમેશા રહેતી હોય છે. આવી પરિસ્થિતિમાં દરિયાઈ સુરક્ષા માટે એજન્સીઓ વચ્ચે મજબૂત સંકલન અને તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતા અત્યંત જરૂરી બની જાય છે.

- Advertisement -

26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં દરિયાઈ સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ સામે આવી હતી. ખાસ કરીને દરિયાઈ માર્ગે આતંકીઓની ઘુસણખોરી અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે પૂરતું સંકલન ન હોવાનો મુદ્દો ગંભીર રીતે ઉછળ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા, જેમાં સમયાંતરે ‘ઓપરેશન સાગર સુરક્ષા કવચ’ જેવી સંયુક્ત સુરક્ષા કવાયતો શરૂ કરવામાં આવી. આ કવાયતનો મુખ્ય હેતુ એજન્સીઓની તૈયારીઓ ચકાસવા, સંકલન સુધારવા અને સંભવિત ખામીઓને સમયસર દૂર કરવાનો રહ્યો છે.

આ વખતે યોજાઈ રહેલી ‘ઓપરેશન સાગર સુરક્ષા કવચ’ કવાયત અંતર્ગત ગુજરાત રાજ્યના કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, ભરુચ, સુરત, નવસારી, વલસાડ સહિત કુલ 14 દરિયાકાંઠા જિલ્લાઓમાં એકસાથે મોક ડ્રિલ અને સુરક્ષા અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. આ કવાયત દરમિયાન આતંકવાદી અથવા ઘુસણખોરોના વેશમાં જવાનો દરિયાઈ માર્ગે કે કોસ્ટલ વિસ્તારોમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે અને તેને રોકવામાં સુરક્ષા એજન્સીઓ કેટલી ઝડપથી અને કેટલી અસરકારક રીતે કાર્યવાહી કરે છે તે ચકાસવામાં આવે છે.

- Advertisement -

આ સંયુક્ત સુરક્ષા કવાયતમાં રાજ્યના 30 મરીન પોલીસ મથકો, મરીન પોલીસ, સ્ટેટ પોલીસ, એસ.આર.પી., મરીન કમાન્ડો, કોસ્ટલ સિક્યુરિટી, કોસ્ટ ગાર્ડ, નેવી, કસ્ટમ વિભાગ, ઈન્ટેલિજન્સ બ્યુરો (IB), પોર્ટ અધિકારીઓ સહિત દરિયાઈ સુરક્ષા સાથે સંકળાયેલી તમામ એજન્સીઓ જોડાઈ છે. વિવિધ એજન્સીઓ વચ્ચે રિયલ ટાઈમ સંચાર, માહિતી વહેંચણી, ઝડપી પ્રતિસાદ અને સંકલિત કાર્યવાહી કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય તે બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.પાકિસ્તાનની નજીક હોવાના કારણે ગુજરાતનો દરિયાકાંઠો અતિ સંવેદનશીલ ગણાય છે. ખાસ કરીને કચ્છના અખાતમાં આવેલા 42થી વધુ નાના-મોટા નિર્જન ટાપુઓ પર ઘુસણખોરો અથવા દેશવિરોધી તત્વો આશરો લઈ શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આથી આ કવાયત દરમિયાન દરિયાની અંદર, કોસ્ટલ વિસ્તારો તેમજ આવા નિર્જન ટાપુઓ પર વિશેષ ચેકિંગ અને સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે સંઘર્ષની સ્થિતિ સર્જાય તો તરત જ કાર્યવાહી કરી શકાય તેવા દ્રશ્યોની પણ મોક ડ્રિલ કરવામાં આવી રહી છે.

હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં પણ આજથી બે દિવસ માટે ‘સાગર સુરક્ષા કવચ’ કવાયતનો પ્રારંભ થયો છે. એસ.ઓ.જી. શાખા, મરીન પોલીસ સ્ટેશન, કોસ્ટ ગાર્ડ, મરીન કમાન્ડો તેમજ અન્ય પોલીસ દળો દ્વારા દરિયાઈ વિસ્તાર અને કોસ્ટલ એરિયામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દરિયામાં બોટ્સ દ્વારા અને જમીન પર કોસ્ટલ પટ્ટામાં સતત ચેકિંગ કરવામાં આવી રહી છે.

આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યમાં દરિયાઈ માર્ગે કોઈપણ પ્રકારની આતંકી ઘટના, ઘુસણખોરી કે સ્મગ્લિંગ જેવી પ્રવૃત્તિઓને અટકાવવાનો છે. કવાયત દરમિયાન જો કોઈ ઉણપ કે ખામી સામે આવે તો તેને તાત્કાલિક સંકલન દ્વારા દૂર કરી ભવિષ્યમાં આવી કોઈ ચૂક ન રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા દરિયાઈ સુરક્ષાને વધુ સઘન બનાવી રાજ્ય અને દેશની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પ્રયાસરૂપે આ ‘ઓપરેશન સાગર સુરક્ષા કવચ’ કવાયત યોજાઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular