ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલી એક ખાનગી કંપનીમાં મોકલવામાં આવેલા રૂપિયા સવા સાત લાખની કિંમતના ફરનેસ ઓઇલને લઈ જઈ અને છેતરપિંડી આચરવા બદલ નોંધાયેલા ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપી એવા યુ.પી.ના એક શખ્સને ખંભાળિયા પોલીસે વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલી એસ્સાર કંપનીમાં કામ કરતા એક કોન્ટ્રાક્ટર દ્વારા જી.જે. 10 એકસ. 8357 નંબરના એક ટેન્કર મારફતે મોકલવામાં આવેલા 15,490 ટન ફરનેસ ઓઇલ પૈકી રૂપિયા 7,23,282 ની કિંમતનો 7980 ટન ફરનેસ ઓઇલનો જથ્થો ઓછો પહોંચાડતા આ અંગે તારીખ 4-11-2012 ના રોજ બે શખ્સો સામે આઈપીસી કલમ 406, 420 તથા 114 મુજબ ગુનો નોંધાયો હતો.
આ પ્રકરણમાં અગાઉ ઉત્તર પ્રદેશ વિસ્તારમાં રહેતા અજયકુમાર કૈલાશનાથ યાદવ નામના શખ્સની તારીખ 25-6-2021 ના રોજ અટકાયત કરવામાં આવી હતી પરંતુ આ પ્રકરણમાં અન્ય એક આરોપી ઉત્તરપ્રદેશ રાજ્યના જોનપુર જિલ્લાના નાવદા ખાતે રહેતા સંતોષ ઉર્ફે મોનુ ફતેબહાદુર યાદવ નામનો શખ્સ ફરાર થઈ જતા પોલીસને હાથ લાગ્યો ન હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયાના પી.આઈ. બી.જે સરવૈયા તથા હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા સહિતના સ્ટાફને સાથે રાખીને વર્કઆઉટ બાદ 32 વર્ષીય ઉપરોક્ત શખ્સને વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસની મદદથી ઝડપી લેવામાં સફળતા મળી હતી.