ધ્રોલ તાલુકાના લૈયારા ગામના પાટીયા નજીક સોમનાથ હોટલ સામે સીમમાં જવાના માર્ગ પર પેટ્રોલ ડીઝલના ટેન્કરોમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ચાલતા સ્થળે ધ્રોલ પોલીસે રેઈડ દરમિયાન બે શખ્સોને ઝડપી લઇ રૂા.32.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લૈયારા ગામના પાટીયા નજીક આવેલી સોમનાથ હોટલની સામેના સીમમાં દવાના માર્ગ પર પેટ્રોલ ડીઝલના ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલ ચોરી કરાતી હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ પી જી પનારા તથા સ્ટાફે રેઈડ દરમિયાન ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરતા દિપક ઉર્ફે દિનેશ રાજુ માનસુરીયા (રહે. સીક્કા) અને રમેશ ઉર્ફે ભરત વાલજી બેડિયા (રહે. જાળિયા માનસર ધ્રોલ) નામના બે શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.5980 ની કિંમતના ડીઝલ ભરેલા પ્લાસ્ટિકના ચાર નંગ કેન તથા રૂા.5760 ની કિંમતના પેટ્રોલ ભરેલા પ્લાસ્ટિકના ચાર નંગ કેન તેમજ 24,15,422 ની કિંમતનું પેટ્રોલ-ડીઝલ ભરેલું ટેન્કર અને દોઢ લાખની કિંમતની કાર તથા આઠ હજારની કિંમતના મોબાઇલ ફોન સહિતનો કુલ રૂા.25,85,362 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. આ બંને શખ્સો વિરૂધ્ધ પોલીસે ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.