જામનગરની આરટીઓ કચેરીમાં લાયસન્સ માટે આવતા અરજદારોને બોગસ મેડીકલ ફીટનેશ સર્ટીફિકેટ તેમજ કંડકટર બેઈઝ લાયસન્સ માટેના મેડીકલ સર્ટીફિકેટ બનાવી આપતા શખ્સને એસઓજીની ટીમે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
કૌભાંડની વિગત મુજબ જામનગરની આરટીઓ કચેરીમાં લાયસન્સ રીન્યુ માટે આવતા અરજદારોને જરૂરી મેડીકલ ફિટનેશ સર્ટીફિકેટ એક શખ્સ બોગસ સર્ટીફિકેટ બનાવી આપતો હોવાની પો.કો. વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઇ બી એન ચૌધરી અને પીએસઆઈ જે ડી પરમાર તથા સ્ટાફ દ્વારા મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે જામનગરના રામેશ્ર્વરનગરમાં રહેતા કમલેશ છગનલાલ ઓઝા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી મેડીકલ ફિટનેશ સર્ટીફિકેટમાં બનાવટી સહી સીક્કા કરેલા ફોર્મ મળી આવતા એસઓજીની ટીમે આ ફોર્મ કબ્જે કરી કમલેશની પૂછપરછ હાથ ધરતા લાયસન્સ રિન્યુ કરાવવા માટે આરટીઓ એજન્ટ પાસે જે અરજદારોને મેડીકલ ફિટનેશ સર્ટીફિકેટની જરૂર હોય તેવા લોકોને રૂા.30 માં સહી સીક્કા મારેલા મેડીકલ ફિટનેશ સર્ટીફિકેટ આપતો હતો.
તેમજ રાજ્ય સરકાર દ્વારા એસ ટી નિગમમાં કંડકટરની ભરતી માટેના ફોર્મ ભરવા માટે કંડકટર બેઈઝ લાયસન્સ આરટીઓ કચેરીમાંથી કઢાવવા માટે આવતા અરજદારોને એમબીબીએસ ડોકટરનું મેડીકલ સર્ટીફિકેટ જરૂરી હોય છે આ અરજદારોને કમલેશ મેડીકલ ફિટનેશ સર્ટીફિકેટમાં એમબીબીએસ ડોકટરના સહી સીક્કા મારી રૂા.100 માં વેંચતો હતો. કમલેશ પાસેથી એસઓજીની ટીમે બોગસ મેડીકલ ફીટનેશ સર્ટીફિકેટ કબ્જે કરી અને આ કૌભાંડમાં આરટીઓ એજન્ટની પણ સંડોવણી હોવાનું ખુલતા તે દિશામાં તપાસ આરંભી હતી.