જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતાં અને ખેતી કરતા વૃદ્ધના પત્ની અને પુત્રની બીમારી દૂર કરવાનું બહાનું કરી વિશ્વાસમાં લઇ ત્રણ સાધુ સહિતના ચાર શખ્સોએ વૃધ્ધ પાસેથી રૂા.87 લાખ રોકડા અને 83 તોલા સોનાના દાગીના મળી કુલ રૂા.1 કરોડ 28 લાખ 71 હજાર 500 ની માલમતા છેતરપિંડી આચરી લૂંટી લઇ ધમકી આપી પલાયન થઈ ગયાના બનાવમાં પોલીસે ઠગ ટોળકીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
મળતી વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતાં ખેતી કરતા રમેશભાઈ હંસરાજભાઈ કાલરીયા નામના વૃધ્ધ સરપંચના ઘરે ફેબ્રુઆરી માસમાં બોલેરો ગાડીમાં ત્રણ સાધુઓ આવ્યા હતાં અને આ ઠગ ટોળકીએ સરપંચ વૃદ્ધને વિશ્વાસમાં લઇ સરપંચની પત્ની અને પુત્રની બીમારી દુર કરવા માટેનું બહાનું બતાવી પૂર્વ આયોજીત કાવતરુ રચી પૈસા પડાવવાનું શરૂ કર્યુ હતું. તેમજ બીમારી દૂર થયા બાદ ખર્ચ થયેલા પરત મેળવવા માટે ચમત્કાર કરી એકના ડબલ કરવાની લાલચ આપી હતી. આ લાલચમાં સરપંચ ફસાઈ ગયા હતાં અને આ ઠગ ટોળકીને કટકે – કટકે પૈસા આપી રહ્યા હતાં. ત્રણ સાધુઓ અને તેના ડ્રાઈવર સહિતના વૃદ્ધ સરપંચને જુદાં-જુદાં સ્થળોએ બોલાવી સમયાંતરે રૂપિયા 87,14,000 જેટલી માતબર રકમ પડાવી લીધી હતી.
ઉપરાંત આ ઠગ ટોળકીએ તેના કાવતરામાં ફસાઈ ગયેલા વૃધ્ધ સરપંચને વધુ ભોળવીને રૂા.41,57,500 ની કિંમતના 83 તોલાના સોનાના દાગીના પચાવી પાડયા હતાં આમ વૃદ્ધ સરપંચ પાસેથી ઠગ ટોળકીએ રૂા.87 લાખ રોકડા અને રૂા.41 લાખના દાગીના મળી કુલ રૂા.1,28,71,500/- ની માતબર રકમની માલમતા છેતરપિંડી આચરી પચાવી પાડી હતી. વૃદ્ધ દ્વારા સવા કરોડની માલમતા આપી દીધા બાદ પત્ની અને પુત્રની તબીયતમાં કોઇ સુધારો ન થવાથી વૃધ્ધે ઠગ ટોળકી પાસેથી રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ ટોળકીએ પૈસા આપવાના બદલે ત્રણ સાધુએ પતાવી દેવાની ધમકી આપી હતી. છેતરપિંડીના બનાવમાં સરપંચે આખરે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઈ એમ.એન. ચૌહાણ તથા સ્ટાફે પૂર્વ આયોજિત કાવતરુ રચી સવા કરોડની માલમતાી પચાવી પાડયાનો ત્રણ સાધુ અને તેના બોલેરો ગાડીના ચાલક સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી છે.